શાહરુખ ખાન, દીપિકા ‘પઠાણ’ના શૂટિંગ માટે સ્પેન જશે

મુંબઈઃ બોલીવૂડ એક્ટર શાહરુખ ખાન આશરે ચાર વર્ષે મોટા પડદે ફરી જોવા મળશે. ખાન છેલ્લા ડિસેમ્બરથી તેની આગામી ફિલ્મ ‘પઠાણ’ માટે અને ‘ટાઇગર-3’ માટે સતત કામ કરી રહ્યો છે. ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ પઠાણનો મહત્ત્વનો ભાગ શૂટ કરવા માટે અને જાસૂસી થ્રિલરના શૂટિંગ માટે સ્પેનમાં જવાના છે. વળી, ખાન 2014માં રિલીઝ થયેલી ‘હેપી ન્યુ યર’ પછી દીપિકા સાથે ફરી કામ કરી રહ્યો છે.  

દીપિતા પાદુકોણ, જોન અબ્રાહમ અને ખાન ઓક્ટોબર, 2021માં આંતરરાષ્ટ્રીય ટુરના ભાગરૂપે મલ્લોર્કા જવાના હતા, પણ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કાંડમાં સંડોવણીને કારણે એ ટુર રદ કરવી પડી હતી. જોકે હવે એ ટુર ફરી યોજાવાની છે. આ સ્ટાર્સ માર્ચના પહેલા સપ્તાહમાં શૂટિંગ માટે યુરોપિયન દેશમાં જશે.

આ પ્રવાસના કાર્યક્રમમાં મલ્લોર્કા અને કેડીઝ સામેલ છે. સિદ્ધાર્થ મલ્લોર્કામાં ‘પઠાણ’ ફિલ્મનું ગીત શૂટ કરશે. તેમનો હેતુ આ દ્વીપ શહેરના વૈભવને ફિલ્મી પડદે દેખાડવાનો છે. આ શહેર સ્વચ્છ સમુદ્રકિનારાઓ અને ચૂનાના પથ્થરોના પહાડો માટે મશહૂર છે. પઠાણ ફિલ્મનો આ પહેલો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે અને ડિરેક્ટર ફિલ્મમાં શાનદાર દ્રશ્યો બતાવવા માગે છે, એમ એક સૂત્રે કહ્યું હતું.

આ કાર્યક્રમ 17 દિવસનો હશે, જેમાં શાહરુખ, દીપિકા અને જોનની સાથે હાઇ-ઓક્ટેન એક્શન દ્રશ્યોનું પણ શૂટિંગ કરવામાં આવશે. જોકે આ પહેલા આ શૂટિંગ માટે ડિસેમ્બરમાં જવાના હતા, પણ દેશમાં ત્રીજી લહેરને કારણે શિડ્યુલમાં ફેરફાર કરવો પડ્યો હતો. જોકે યુરોપ જતાં પહેલાં ખાન અને તેની ટીમ યશરાજ સ્ટુડિયો અને ફિલ્મ સિટીમાં એક્શન દ્રશ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે.