સુશાંત સિંહ આત્મહત્યા કેસ: પોલીસે 9 જણના નિવેદનો નોંધ્યા

મુંબઈ:  સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસે અત્યાર સુધી 9 જણના નિવેદનો નોંધ્યા છે. બોલીવૂડ એક્ટર સુશાંત સિંહના ઘરમાં સાથે રહેનાર સિદ્ધાર્થ પીઠાણી (ક્રિએટિવ મેનેજર), દીપેશ સાવંત (ઘરની દેખરેખ કરનાર અને સામાન લાવનાર-રસોઇયો) અને સુશાંતના રૂમની ચાવી બનાવનારનું નિવેદન લેવામાં આવ્યું છે.

 

ગયા મંગળવારે પોલીસ સુશાંતના પિતા કૃષ્ણકુમાર સિંહ અને બે બહેનનાં નિવેદન પણ લીધા હતા. મુંબઇમાં રહેતી બહેનનું નિવેદન હજુ અધૂરું છે, જ્યારે મિત્ર મહેશ શેટ્ટીનું નિવેદન લેવામાં આવ્યું છે. સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિને પોલીસ ટૂંક સમયમાં જ બોલાવે એવી ધારણા છે.

સુશાંત સિંહ રાજપૂતના નિધને બોલીવુડને બે ભાગમાં વહેંચી નાંખ્યું છે. એક જૂથ પર એવો આરોપ છે કે એણે એક એવું ગ્રુપ બનાવી રાખ્યું છે જેમાં માત્ર એમના માનીતા અને નિકટના લોકો જ લાભ મેળવી શકતા હતા, બહારના લોકો નહીં.

સુશાંત સિંહના પિતરાઈ ભાઇ અને પૂર્વ ધારાસભ્ય નીરજ બબલૂએ આરોપ લગાવ્યો છે કે સુશાંત સિંહે 10 વર્ષમાં જે સફળતા મેળવી તેનાથી બોલીવુડના ઘણા લોકોને ઈર્ષા થતી હતી. બબલૂએ કહ્યું છે કે પોતે સમય આવ્યે એવા લોકોના નામ જાહેર કરશે. એમણે મહારાષ્ટ્ર સરકારને વિનંતી કરી છે કે સુશાંતના મોતની ઘટનામાં વિસ્તારથી તપાસ કરવામાં આવે, જેનો સરકારે સ્વીકાર પણ કરી લીધો છે.

સુશાંત સિંહ રાજપૂતે ગયા રવિવારે મુંબઇમાં બાન્દ્રા સ્થિત એના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસ બાદ પોલીસનું માનવું છે.