લોકડાઉને આ બે દિલનું મિલન અટકાવ્યું…

કાનપુર: દેશભરમાં લાગુ લોકડાઉનને કારણે કાનપુર અને લંડન વચ્ચે એક પ્રેમ કહાની અધૂરી રહી ગઈ છે. વાત એમ છે કે, કાનપુરની એક ફિલ્મ અભિનેત્રી અને એક બ્રિટિશ નાગરિકના લગ્ન લોકડાઉને કારણે અટકી ગયા છે. ભારતીય પંરપરા અનુસાર આ લગ્ન કાનપુરમાં 8 એપ્રિલના રોજ થવાના હતા પણ લોકડાઉનને પગલે બે દિલોનું મિલન અધૂરું રહી ગયું.

કાનપુરમાં સ્વરૂપનગરમાં કૃષ્ણાવતાર સચાન અને રેખા સચાનની પુત્રી કામના સચાન દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી છે. અહીં તેમણે થિક્કા અને અય્યોરમા જેવી ફિલ્મો દિગ્ગજ અભિનેતાઓ સાથે કરી છે. આ ઉપરાંત સચાને બોલિવુડમાં વિક્રમ ભટ્ટ વેબ સીરિઝ ફેસલેસમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મી દુનિયામાં કામના રાશિ સિંહના નામે ઓળખાય છે. આ ઉપરાંત કામનાએ યોગમાં ઈન્ટરનેશનલ સર્ટિફિકેટ પણ મેળવેલ છે. કામના જણાવે છે કે, બ્રિટિશ નાગરિક ડિલન સુકૈરી સાથે તેમની મુલાકાત એક કોમન મિત્રએ કરાવી હતી. ત્યારપછી ડિલન કામનાને મળવા મુંબઈ આવ્યો. અહીં બંનેએ એકસાથે જીવન વિતાવવાનો નિર્ણય લીધો.

કામના અને ડિલને તેમના પરિવારને તેમના સંબંધો વિશે જણાવ્યું અને ગયા વર્ષે લંડનમાં બંનેએ સગાઈ કરી. ત્યારપછી કાનપુરમાં રજિસ્ટર મેરેજ પણ કર્યા. કામના કહે છે કે, મારા પરિવારના લોકો ભારતીય પરંપરા અનુસાર લગ્ન કરવા ઈચ્છે છે. એટલા માટે 8 એપ્રિલની તારીખ નક્કી કરી હતી. લંડનથી ડિલનના પરિવારે ફ્લાઈટ પણ બુક કરાવી લીધી હતી અને અહીં હોટલ બુકિંગ કરાવવા ઉપરાંત લગ્નના કાર્ડ પણ છપાવી લીઘા હતા. કામના કહે છે કે, તેમના ભાઈ શ્રેયસે ખૂબ જ ઉત્સાહ સાથે લગ્નની તૈયારી કરી હતી. જો કે ભારતમાં તો સ્થિતિ કાબૂમાં છે પણ લંડનમાં સ્થિતિ અત્યંત ખરાબ છે. આ સ્થિતિમાં હવે લગ્ન કયારે થશે એ કંઈ નક્કી નથી. કામના લગ્ન પછી લંડનમાં જ યોગ ક્લાસીસ ચલાવવા માંગે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]