મુંબઈની ટીકા કરવા બદલ સોનમ કપૂર ટ્રોલ થઈ

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર-આહુજાએ ગઈ કાલે મુંબઈના ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યાઓ વિશે એક ટ્વીટ કર્યું હતું. એ બદલ કેટલાક નેટયૂઝર્સે એની ટીકા કરી છે અને એને વળતું સંભળાવ્યું છે. સોનમે એનાં ટ્વીટમાં એમ લખ્યું છે કેઃ ‘મુંબઈના રસ્તાઓ પર કાર ચલાવવી બહુ ત્રાસદાયક છે. બધી જગ્યાએ ખોદકામ અને બાંધકામ કરવામાં આવી રહ્યું છે. મને જુહૂથી બાન્દ્રા બેન્ડસ્ટેન્ડ પહોંચતા એક કલાક લાગ્યો. પ્રદૂષણ પણ ત્રાસદાયક છે. શું ચાલી રહ્યું છે…’

સોનમનું આ ટ્વીટ વાંચીને કેટલાક નેટયૂઝર્સે એની ટીકા કરી છે. એક જણે એને ટ્વીટ કરીને સંભળાવ્યું છે કે, ‘તારો લંડનનો વિઝા પૂરો થઈ ગયો છે કે શું? તું ભારત પાછી આવી ગઈ કે?’ બીજા એક નેટયૂઝરે લખ્યું છે, ‘આને વિકાસ કહેવાય છે, જે અનેક વર્ષો પહેલાં થવો જોઈતો હતો. ઠીક છે હવે મોડું થયું છે. તમે લોકો તો તમારી એસી કારમાં પ્રવાસ કરો છો અને તમને ત્રાસ થાય છે. કલ્પના કરો કે સામાન્ય લોકો કેવી રીતે પ્રવાસ કરતા હશે.’

અભિનેતા અનિલ કપૂરની પુત્રી સોનમ ત્રણ વર્ષથી ફિલ્મઉદ્યોગથી દૂર રહી છે. ત્રણ વર્ષમાં એણે એકેય ફિલ્મમાં કામ કર્યું નથી. એ ટૂંક સમયમાં જ ‘બ્લાઈન્ડ’ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ જ વર્ષમાં તે રિલીઝ થાય એવી ધારણા રખાય છે. એણે 2018ના મે મહિનામાં ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં હતાં. બંનેને એક પુત્ર છે.