મુંબઈઃ 67મો ફિલ્મફેર એવોર્ડ્સ સમારોહ આવતી 30 ઓગસ્ટે અહીં બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. તેનું પ્રસારણ 9 સપ્ટેમ્બરે કલર્સ ચેનલ પર અને ફિલ્મફેરના ફેસબુક પેજ પર એક સાથે કરવામાં આવશે.
આ વખતના એવોર્ડ્સ કાર્યક્રમ માટે સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાની અભિનીત ‘શેરશાહ’ અને રણવીરસિંહ-દીપિકા પદુકોણ અભિનીત ’83’ ફિલ્મોએ સૌથી વધારે નામાંકન પ્રાપ્ત કર્યા છે. આ બે ફિલ્મે અનુક્રમે 19 અને 15 નોમિનેશન્સ મેળવ્યા છે. તે પછીના ક્રમે આવે છે વિકી કૌશલ અભિનીત ‘સરદાર ઉધમ’ (13) અને તાપસી પન્નૂ અભિનીત ‘રશ્મી રોકેટ’ (11). શ્રેષ્ઠ ફિલ્મની કેટેગરીમાં ‘શેરશાહ’ અને ‘સરદાર ઉધમ’ વચ્ચે હરીફાઈ છે.
શ્રેષ્ઠ દિગ્દર્શકની કેટેગરીમાં કબીર ખાન (83), સૂજીત સરકાર (સરદાર ઉધમ), વિષ્ણુવર્ધન (શેરશાહ), એ. ખુરાના (રશ્મી રોકેટ) છે. શ્રેષ્ઠ અભિનેતાની કેટેગરીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, રણવીરસિંહ, વિકી કૌશલ અને ધનુષ છે તો શ્રેષ્ઠ અભિનેત્રીની કેટેગરીમાં તાપસી પન્નૂ, કંગના રણોત (થલાઈવી), કિયારા અડવાની (શેરશાહ), કૃતિ સેનન (મિમી), પરિણીતી ચોપરા (સંદીપ ઔર પિંકી ફરાર), વિદ્યા બાલન (શેરની) છે.