મુંબઈ – 2018ના વર્ષના આરંભથી જ રણવીર સિંહની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ઝળહળતી સફળતા હાંસલ કરી છે. એની ફિલ્મો લગાતાર હિટ ગઈ છે અને એનો ચાહકવર્ગ મોટો થઈ રહ્યો છે.
રણવીરે 2018ના આરંભે હિટ ફિલ્મ આપી હતી અને અંતે પણ હિટ આપી હતી.
રણવીરની ત્રણ બેક-ટુ-બેક સુપરહિટ ફિલ્મો એટલે ‘પદ્માવત’, ‘સિમ્બા’ અને ‘ગલી બોય’.
‘પદ્માવતે’ ખૂબ વિવાદ સર્જ્યો હતો, પણ આખરે એણે બોક્સ ઓફિસ પર રૂ. 282.28 કરોડની કમાણી કરી હતી. એવી જ રીતે, ‘સિમ્બા’ ફિલ્મ, જે સૈફ અલી ખાન-અમ્રિતા સિંહની પુત્રી સારા અલી ખાનની સૌપ્રથમ ફિલ્મ હતી, એણે કમાવી આપ્યા હતા રૂ. 240.10 કરોડ જ્યારે ‘ગલી બોય’, જે હજી હાલમાં જ રિલીઝ થઈ છે એ પણ બોક્સ ઓફિસ પર જામી પડી છે.
33 વર્ષીય રણવીરને નવો સુપરસ્ટાર કહી શકાય. એનું ભવિષ્ય પણ ઉજ્જવળ જણાય છે.
ફિલ્મ ઉદ્યોગના એક સૂત્રનું કહેવું છે કે લગાતાર સફળતા અપાવવાથી નિર્માતાઓ રણવીર પર ખુશ છે. તેઓ એને આકર્ષક વળતર તો આપે જ છે, પણ હવે તેઓ રણવીરને ફિલ્મોથી થનાર નફામાં પણ અમુક હિસ્સો આપવા એની સાથે સહમત થયા છે.
ટોચના સિતારાઓ માટે નફામાં પણ ભાગ રાખવાની સામાન્ય પ્રથા રહી છે. તમામ મેગા સ્ટાર્સ સાથે નિર્માતાઓ આવી જ નાણાકીય ગોઠવણ કરતા આવ્યા છે. આમિર, સલમાન, શાહરૂખ જેવા ખાન અભિનેતાઓ હોય કે અક્ષય કુમાર, અજય દેવગન અને રણબીર કપૂર જેવા અભિનેતાઓ હોય. હવે રણવીર સિંહ પણ એ હરોળમાં સામેલ થયો છે.
કહેવાય છે કે રણવીરને નફામાં ભાગ આપવા માટે કબીર ખાન અને કરણ જોહર સહમત થયા છે. કબીર ખાનની નવી ફિલ્મ ”83′ અને જોહરની ‘તખ્ત’ ફિલ્મમાં રણવીર કામ કરી રહ્યો છે.