‘ડોન 3’ માટે ઓફર: પ્રિયંકાનાં જવાબની રાહ જુએ છે ફરહાન અખ્તર

મુંબઈઃ અમુક મહિના પૂર્વે દિગ્દર્શક ફરહાન અખ્તરે જાહેરાત કરી હતી કે તેઓ એમની ‘ડોન’ ફિલ્મની શ્રેણીની ત્રીજી આવૃત્તિ તરીકે ‘ડોન 3’ ફિલ્મ બનાવશે, પણ એમાં હિરો તરીકે શાહરૂખ ખાન નહીં હોય પણ રણવીરસિંહ હશે. એમની તે જાહેરાતને કારણે શાહરૂખના પ્રશંસકોને આશ્ચર્ય થયું હતું. જાહેરાત કરવામાં આવી છે તે પછી એવી અટકળો થઈ રહી છે કે ફિલ્મમાં હિરોઈન કોણ હશે? અમુક નામ આગળ આવ્યા છે, પણ એવું લાગે છે કે આ ફિલ્મ સાઈન કરીને પ્રિયંકા ચોપરા-જોનસ બોલીવુડમાં કમબેક કરવાનું પસંદ કરશે. પ્રિયંકા ‘ડોન’ અને ‘ડોન 2’માં શાહરૂખની હિરોઈન તરીકે ‘રોમા ભગત’ (જંગલી બિલ્લી)નો રોલ કરી ચૂકી છે. અમેરિકન ગાયક નિક જોનસ સાથે લગ્ન કરીને તે અમેરિકામાં સ્થાયી થઈ છે.

અહેવાલો અનુસાર, પ્રિયંકા ચોપરા હાલ મુંબઈ આવી હતી ત્યારે ફરહાન અખ્તરે એને ‘ડોન 3’માં કામ કરવાની ઓફર કરી હતી. બંને વચ્ચે આ મુદ્દે એકથી વધારે વખત મીટિંગ થઈ હતી, પરંતુ પ્રિયંકાએ હજી સુધી એમને જવાબ આપ્યો નથી. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

જો પ્રિયંકા ઓફરનો સ્વીકાર કરશે તો રણવીર સાથે તેની આ ત્રીજી ફિલ્મ થશે. આ પહેલાં એણે રણવીર સાથે ‘દિલ ધડકને દો’ અને ‘બાજીરાવ મસ્તાની’માં કામ કર્યું છે. ‘દિલ ધડકને દો’માં બેઉ ભાઈ-બહેનની ભૂમિકામાં હતાં જ્યારે ‘બાજીરાવ મસ્તાની’માં પ્રિયંકા રણવીરની પત્ની ‘કાશીબાઈ’ બની હતી.