ઈસ્લામાબાદ – પાકિસ્તાન સરકારે આજે જાહેરાત કરીને દેશભરના સિનેમાગૃહોમાં ભારતીય ફિલ્મો બતાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
માહિતી અને પ્રસારણને લગતી બાબતો અંગે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનના વિશેષ સહાયક ફિરદોસ આશિક અવાને એવો દાવો કર્યો છે કે ભારત સરકારે કશ્મીરને લગતી 370મી કલમ રદ કરી એનો બદલો લેવા માટે પાકિસ્તાનભરના થિયેટરોમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત સરકારે ગયા સોમવારે મોટો નિર્ણય લઈને બંધારણની 370મી કલમને રદબાતલ જાહેર કરી દીધી છે જે હેઠળ જમ્મુ અને કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો મળ્યો હતો. સરકારે રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધું છે – એક, જમ્મુ અને કશ્મીર તથા બીજો લદાખ. ભારતના આ નિર્ણયને કારણે પાકિસ્તાનને ગુસ્સો ચડ્યો છે.
પાકિસ્તાને કંઈ આ પહેલી વાર ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ નથી મૂક્યો. બંને દેશ વચ્ચેના સંબંધો રાજકીય કારણોસર તંગ થઈ જાય એ દરેક વખતે પાકિસ્તાન ભારતની, ખાસ કરીને બોલીવૂડની ફિલ્મો પર પ્રતિબંધ મૂકી દે છે.