૬૬મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં બોલીવૂડ છવાયું, પણ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’એ જીત્યો બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ

નવી દિલ્હી – આજે અહીં જાહેર કરવામાં આવેલા 2018ના વર્ષ માટેના ૬૬મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’, ‘અંધાધૂન’, ‘બધાઈ હો’ અને ‘પેડમેન’ જેવી બોલીવૂડ ફિલ્મો છવાઈ ગઈ છે, પરંતુ શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ જીતી ગઈ છે ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’.

શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકેનો એવોર્ડ ‘રેવા’ ફિલ્મને ફાળે ગયો છે.

ઉલ્લેખનીય છે કે ‘હેલ્લારો’ ફિલ્મ હજી રિલીઝ થઈ નથી. એ આ વર્ષના નવેંબરમાં રિલીઝ થવાની છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં એવી શરત નથી કે પુરસ્કારોની કેટેગરીમાં માત્ર રિલીઝ થયેલી ફિલ્મોની જ એન્ટ્રી મોકલવી.

સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળી ગયું હોય તો પણ પુરસ્કાર માટે એ ફિલ્મને નામાંકિત કરી શકાય.

‘હેલ્લારો’ ફિલ્મના ડાયરેક્ટર છે અભિષેક શાહ અને ફિલ્મના સંવાદો, ગીત તથા અતિરિક્ત પટકથા લેખક છે સૌમ્ય જોશી.

કચ્છમાં શૂટ થયેલી ‘હેલ્લારો’ ફિલ્મ સ્ત્રી સશક્તિકરણ વિશેની છે, ને એમાં કામ કરનારી ૧૩ અભિનેત્રીને પણ જોઈન્ટ નેશનલ એવોર્ડ જાહેર થયા છે.

‘હેલ્લારો’નો અર્થ થાય છે હેલકારો અર્થાત્ ‘એય’ કે ‘એ જી’ જેવો હેલારો કે કોલ, જે પત્નીઓ પતિઓને આપતી હોય છે.

અમિત રવિન્દ્રનાથ શર્મા દ્વારા દિગ્દર્શિત અને આયુષમાન ખુરાના, નીના ગુપ્તા, ગજરાજ રાવ અને સાન્યા મલ્હોત્રા અભિનીત હિન્દી ફિલ્મ ‘બધાઈ હો’ ફિલ્મે 2018ના વર્ષ માટેનો સંપૂર્ણ મનોરંજન પૂરું પાડતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ જીત્યો છે.

રાહુલ રવૈલ (ચેરમેન – ફીચર ફિલ્મ કેટેગરી), એ.એસ. કનાલ (ચેરપર્સન – નોન-ફીચર ફિલ્મ કેટેગરી) અને ઉત્પલ બોરપૂજારી (ચેરપર્સન – બેસ્ટ રાઈટિંગ ઓન સિનેમા) – આ ત્રણ ચેરપર્સન દ્વારા આજે અહીં પત્રકાર પરિષદમાં એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. આ ચેરપર્સન્સ તથા અન્ય જ્યૂરી સભ્યોએ ૬૬મા ફિલ્મ પુરસ્કારો અંગેનો રિપોર્ટ આજે સવારે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરને સુપરત કર્યો હતો.

શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ ‘અંધાધૂન’ ફિલ્મે જીત્યો છે.

શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ વિકી કૌશલ અને આયુષમાન ખુરાનાને સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે. વિકી કૌશલને ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ફિલ્મમાં કરેલા અભિનય માટે અને આયુષમાનને ‘અંધાધૂન’ ફિલ્મમાં કરેલી ભૂમિકા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

‘બધાઈ હો’ ફિલ્મમાં દાદીનો રોલ કરનાર પીઢ અભિનેત્રી સુરેખા સિકરીએ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકેનો એવોર્ડ જીત્યો છે. આમ, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં આ ફિલ્મે બે મહત્ત્વના એવોર્ડ જીત્યા છે.

સામાજિક પ્રશ્નો અંગેની બેસ્ટ ફિલ્મનો એવોર્ડ હિન્દી ફિલ્મ ‘પેડમેન’ને ફાળે ગયો હતો.

બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ આદિત્ય ધરે જીત્યો છે – ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ફિલ્મ માટે. આ ફિલ્મમાં વિકી કૌશલે ભારતીય લશ્કરી અધિકારીનો રોલ ભજવ્યો હતો. આ જ ફિલ્મે વધુ બે એવોર્ડ પણ જીત્યા છે. સાઉન્ડ ડિઝાઈનનો એવોર્ડ બિશ્વદીપ દિપક ચેટરજીએ અને શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ શાશ્વત સચદેવે જીત્યો છે.

‘અંધાધૂન’ ફિલ્મે બેસ્ટ સ્ક્રીનપ્લે (પટકથા)નો એવોર્ડ પણ જીત્યો છે. આ માટે શ્રીરામ રાઘવન, અરિજીત બિશ્વાસ, યોગેશ ચાંદેકર, હેમંત રાવ અને પૂજા લધા સુરતી સમ્માનિત થયાં છે.

પદ્માવત ફિલ્મે સંગીત કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે. આ ફિલ્મે બેસ્ટ કોરિયોગ્રાફી – કૃતિ મહેશ મધ્યા અને જ્યોતિ તોમર (ઘૂમર ગીત માટે), સંગીતકાર (ગીતો) – સંજય લીલા ભણસાલી અને બેસ્ટ પુરુષ પાર્શ્વગાયક – અરિજીત સિંહ (બિનતે દિલ મિસરીયા મેં).

ગુજરાતી ફિલ્મ હેલારોને બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે ઘોષિત કરવામાં આવી છે.

શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે કીર્તિ સુરેશે – તેલુગુ ફિલ્મ મહાનતીમાં કરેલી ભૂમિકા માટે.

ઉત્તરાખંડ રાજ્યને મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે.