જયપુર – દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુ વિશે કથિતપણે વાંધાજનક કમેન્ટ કરવા બદલ રાજસ્થાનના બુંદી શહેરની પોલીસે મોડેલ અને અભિનેત્રી પાયલ રોહતગીને આજે અટકમાં લીધી હતી.
પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ મમતા ગુપ્તાએ કહ્યું કે પાયલ રોહતગીને અટકમાં લેવામાં આવી છે અને એની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
પાયલે એક વાંધાજનક વિડિયો કથિતપણે પોસ્ટ કર્યો હતો અને એ બદલ પોલીસે એને અગાઉ નોટિસ આપી હતી.
રાજસ્થાન યુવા કોંગ્રેસના મહામંત્રી ચર્મેશ શર્માએ પાયલ સામે ફરિયાદ નોંધી હતી અને કહ્યું હતું પાયલે ગઈ 21 સપ્ટેંબરે નેહરુ, તથા અન્ય ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધી વિશે ફેસબુક પર વાંધાજનક વિડિયો પોસ્ટ કર્યો હતો.
એ ફરિયાદના સંદર્ભમાં તપાસ કરવા માટે રાજસ્થાન પોલીસ મુંબઈમાં પાયલનાં નિવાસસ્થાને ગઈ હતી. બાદમાં પોલીસ અધિકારીઓ ગુજરાતમાં પાયલનાં માતા-પિતાનાં ઘેર ગયાં હતાં અને ત્યાં પાયલ સાથે એમની મુલાકાત થઈ હતી. પોલીસે એને આ કેસમાં જવાબ આપવા એને નોટિસ આપી હતી.
શર્માએ ગયા ઓક્ટોબરમાં પાયલ સામે બુંદી બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ઈન્ફોર્મેશન એક્ટની 66 અને 67મી કલમ હેઠળ પાયલ સામે કેસ નોંધ્યો હતો.
પાયલે ટ્વીટ કરીને કહ્યું છે કે રાજસ્થાન પોલીસે મારી ધરપકડ કરી છે. મેં એમને વિડિયો વિશે જાણકારી આપી હતી. એ વિડિયો ગૂગલ પર મેં લીધો હતો. શું અભિવ્યક્તિની આઝાદી એક મજાક છે?
કથિતપણે પાયલ દ્વારા ગઈ 21 સપ્ટેંબરે સોશિયલ મિડિયા પર એક વિડિયો અને પોસ્ટ મૂકવામાં આવી હતી. એમાં ભૂતપૂર્વ સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ નેહરુ, ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી વિશે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી.
પાયલ બોલીવૂડની ‘રક્ત’, ‘તૌબા તૌબા’, ’36 ચાયના ટાઉન’, ‘કોર્પોરેટ’, ‘હે બેબી’, ‘અગ્લી ઔર પગ્લી’, ‘દિલ કબડ્ડી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.