‘મસિહા’ સોનુ સુદ રૂ. 20 કરોડથી વધુ ટેક્સ-ચોરીમાં સામેલઃ IT

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર સોનુ સુદના ઘરે ઇન્કમ ટેક્સના દરોડા ત્રીજા દિવસે પૂરા થયા હતા. બોલીવૂડ એક્ટર સોનુ સુદ પર ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા પછી કેન્દ્રીય સીધા કરવેરાના બોર્ડે (CBDTએ) કહ્યું હતું કે તેમની સામે રૂ. 20 કરોડથી વધુની કરચોરીનો મામલો સામે આવ્યો છે. એક્ટર અને તેમના સહયોગીઓનાં સ્થળોની તપાસ દરમ્યાન કરચોરીથી સંબંધિત વાંધાજનક દસ્તાવેજ મળ્યા છે. એક્ટરે નકલી સંસ્થાઓથી ખોટી અને અસુરક્ષિત લોન સ્વરૂપે બિનહિસાબી નાણાં જમા કર્યાં છે.

આવકવેરા વિભાગે કહ્યું હતું કે સુદે FCRA કાયદાનું ઉલ્લંઘન કરતાં વિદેશી દાનકર્તાઓમાંથી એક ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને રૂ. 2.1 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. લોકોની મદદ કરવા માટે સોનુ સુદ ચેરિટી ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું, જેણે ગયા વર્ષે જુલાઈમાં કોવિડની પહેલી લહેર દરમ્યાન રૂ. 18 કરોડથી વધુનું ડોનેશન એકત્ર કર્યું હતું., એમાંથી એપ્રિલ સુધી રૂ. 1.9 કરોડના રાહત કાર્યો પર ખર્ચ કર્યો હતો અને બાકીના બચેલા રૂ. 17 કરોડ નોન પ્રોફિટ બેન્કમાં વગર ઉપયોગના પડ્યા છે.

આવકવેરા વિભાગે કહ્યું હતું કે આવકવેરા વિભાગે મુંબઈમાં એક્ટરનાં વિવિધ સ્થળોમાં અને પાયાના માળખામાં- લખનૌ સ્થિત ઓદ્યૌગિક ગ્રુપમાં દરોડા અને જપ્તી ઝુંબેશ ચલાવી છે. મુંબઈ, લખનૌ, કાનપુર, જયપુર, દિલ્હી અને ગુરુગ્રામ સહિત કુલ 28 સ્થળોએ સતત ત્રણ દિવસો સુધી દરોડા કર્યા હતા, એમ સીબીડીટીએ કહ્યું હતું.

48 વર્ષીય એક્ટર સોનુ સુદે કોરોના રોગચાળા દરમ્યાન લોકોની મદદ કરવા માટે ખૂબ પ્રશંસા હાંસલ કરી હતી. હાલમાં સોનુ સુદે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુલાકાત કરી હતી. તે દિલ્હી સરકારના દેશના મેન્ટર કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા.