ગાયક કેકેનું મૃત્યુ: બંગાળ સરકારને હાઈકોર્ટનો આદેશ

કોલકાતાઃ ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ, જે કેકે તરીકે જાણીતા થયા છે, એમના ગઈ 31 મેએ દક્ષિણ કોલકાતાના નઝરુલ મંચ ખાતે સ્ટેજ શો બાદ નિપજેલા મરણની ઘટનામાં સોગંદનામું નોંધાવવાનો પશ્ચિમ બંગાળ સરકારને કલકત્તા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ અને ન્યાયમૂર્તિ રાજશ્રી ભારદ્વાજની બનેલી વિભાગીય બેન્ચે રાજ્ય સરકારને ત્રણ અઠવાડિયાની અંદર સોગંદનામું નોંધાવવાનો આદેશ આપ્યો છે અને તેને એમ પણ જણાવ્યું છે કે આ પ્રકારના દુઃખદ બનાવ ફરી વાર ન બને એનું તે ધ્યાન રાખે.

ઉલ્લેખનીય છે કે, કેકેના મૃત્યુની ઘટનામાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માગણી કરતી ત્રણ જનહિતની અરજીઓ ઈમ્તિયાઝ એહમદ, સૌમ્યા રોય અને સિયાન બંદોપાધ્યાય નામના એડવોકેટોએ નોંધાવી હતી. એમણે એવો આક્ષેપ કર્યો છે કે કેકેના સ્ટેજ કાર્યક્રમ વખતે ઓડિટોરિયમમાં સદંતર ગેરવ્યવસ્થા હતી. ક્ષમતા કરતાં અનેક ગણા વધારે લોકોને અંદર પ્રવેશવા દેવામાં આવ્યા હતા, એરકન્ડિશનિંગ મશીનો બગડેલા હતા જેને કારણે ઓડિટોરિયમની અંદર ગૂંગળામણ થતી હતી. અનેક વિડિયો ક્લિપ્સમાં જોઈ શકાયું હતું કે કેકે પરફોર્મન્સ દરમિયાન બેચેની અનુભવતા હતા અને શોના મધ્ય ભાગમાં એમણે આરામ કરવા માટે 10 મિનિટનો બ્રેક લીધો હતો. સીબીઆઈ દ્વારા તપાસની માગણીનો વિરોધ કરતાં પશ્ચિમ બંગાળ સરકારના એડવોકેટ જનરલ એસ.એન. મુખોપાધ્યાયે દલીલ કરી હતી કે મૃતકના પરિવાર તરફથી એકેય ફરિયાદ કરવામાં આવી નથી તેથી સીબીઆઈ તપાસની માગણી યોગ્ય નથી.