મુંબઈઃ બોલીવૂડ એક્ટર અક્ષયકુમારે ફિલ્મઉદ્યોગમાં પ્રવેશતાં પહેલાં પોતાના જીવન વિશેની વાતો શેર કરી હતી. અક્ષય કેટરિના કેફ અને રોહિત શેટ્ટીની સાથે ‘કૌન બનેગા કરોડપતિ’ 13ના ‘શાનદાર શુક્રવાર’ના એપિસોડમાં ‘વિશેષ અતિથિ’ તરીકે નજરે ચઢશે. તે KBCના હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે સામાજિક ઉદ્દેશ માટે KBC રમતા નજરે પડશે.
આ KBC-13ના એપિસોડમાં અમિતાભ બચ્ચને અક્ષયને ફિલ્મી દુનિયામાં પગ માંડતાં પહેલાં તેના જીવન વિશે પૂછયું હતું. ત્યારે અક્ષયે કહ્યું હતું કે તે ફિલ્મઉદ્યોગમાં આવતાં પહેલાં દિલ્હીમાં કુંદન જ્વેલરી વેચતો હતો. આ સાંભળીને અમિતાભ અને કેટરિના કૈફ આશ્ચર્યચકિત થઈ જાય છે.
હું કુંદન ઘરેણાં વેચતો હતો. હું એ કુંદનનાં આભૂષણ દિલ્હીમાંથી આશરે રૂ. 7000થી રૂ. 10,000માં ખરીદતો હતો અને એને મુંબઈમાં વેચતો હતો, જેમાં મને આશરે રૂ. 11,000-12,000નો નફો થતો હતો. મેં આવું ત્રણથી ચાર વર્ષ કર્યું છે., એમ અક્ષયે કહ્યું હતું.
અમિતાભે તેને શેફ વિશેના દિવસોનું પૂછતાં અક્ષયે કહ્યું હતું કે મેં એક ઇટિંગ જોઇન્ટમાં કામ કર્યું છે. હું ત્યારે જલેબી, છોલે-ભટુરે અને સમોસાં બનાવતો અને પીરસતો હતો. જોકે મારી રેસ્ટોરાંની દીવાલ પર ચાર જણ –તમારો, જેકી ચેન, શ્રીદેવી અને સિલ્વેસ્ટર સ્ટેલોનનો ફોટો લાગેલા હતા. મારું નસીબ જુઓ, મેં ચારે જણની સાથે કામ કર્યું છે. મેં મારા જીવનમાં ક્યારેય નહોતું વિચાર્યું કે આવું કંઈ થશે, પણ એ આશ્ચર્યજનક અને અદભુત છે કે મને ચારે જણ સાથે કામ કરવાની તક મળી.