હિન્દી ફિલ્મ ‘જોરમ’ની પસંદગી કરાઈ બુસાન ફિલ્મોત્સવમાં

મુંબઈઃ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા મનોજ બાજપેઈને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આગામી હિન્દી ફિલ્મ ‘જોરમ’ની પસંદગી પ્રતિષ્ઠિત બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘અ વિન્ડો ઈન એશિયન સિનેમા’ વર્ગમાં કરવામાં આવી છે. આ ફિલ્મોત્સવ ઓક્ટોબરમાં યોજાવાનો છે.

આ સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મમાં મોહમ્મદ ઝીશાન અયૂબ, સ્મિતા તાંબે, મેઘા માથુર, તનિષ્ઠા ચેટરજી, રાજશ્રી દેશપાંડે જેવા અન્ય કલાકારો પણ છે. મનોજ બાજપેઈએ એક વ્યાકૂળ પિતાનો રોલ કર્યો છે જે એની પુત્રીને બચાવવા મથામણ કરે છે.

આ ફિલ્મનું નિર્માણ ઝી સ્ટુડિયોઝ અને મખીજા ફિલ્મે કર્યું છે. ફિલ્મનો આ વર્ષના આરંભમાં રોટ્ટરડેમ ખાતે પ્રીમિયર શો યોજવામાં આવ્યો હતો અને સિડની ફિલ્મ ફેસ્ટિવલ, ડરબન ફિલ્મ ફેસ્ટિવલ અને એડિનબર્ગ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તે દર્શાવવામાં આવી હતી. ડરબન ફિલ્મોત્સવમાં બાજપેયીને ‘જોરમ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ડરબનમાં એવોર્ડ જીતનાર આ પહેલી ભારતીય ફિલ્મ છે. આ ફિલ્મને OTT પ્લેટફોર્મ પર ઝી5 દ્વારા રિલીઝ કરવામાં આવશે.