મુંબઈ – બોલીવૂડનો લોકપ્રિય અભિનેતા અક્ષય કુમાર આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
અક્ષયે 1991માં બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી તે અત્યાર સુધીમાં 114 ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. એમાંની 49 ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળતા મેળવી ચૂકી છે.
અક્ષય પોતાની પેઢીનો પહેલો એવો બોલીવૂડ સુપરસ્ટાર છે જેણે 50 સફળ ફિલ્મો આપી છે. ખિલાડી ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કર્યા બાદ ‘ખિલાડી’ નામ સાથેની કુલ આઠ ફિલ્મ આવી ગઈ અને એ બધી જ બોક્સ ઓફિસ પર હિટ થઈ.
દારૂ, ધૂમ્રપાન જેવા વ્યસનોથી મુક્ત અને ક્યારેય કોઈ કલાકારનું વાંકું ન બોલીને વિવાદથી પોતાને મુક્ત રાખનાર અક્ષય સ્વયં એક મિની-ઈન્ડસ્ટ્રી સમાન છે. એ અત્યાર સુધીમાં 49 સફળ ફિલ્મો આપી ચૂક્યો છે અને એની આગામી ફિલ્મો છે – 2 પોઈન્ટ ઝીરો, કેસરી, ગૂડ ન્યૂઝ અને હાઉસફૂલ 4. આ ચાર ફિલ્મો પણ ચોક્કસપણે હિટ જશે એટલે અક્ષયની સફળ ફિલ્મોની સંખ્યા 50ની પાર પહોંચી જશે એમાં કોઈ શંકા નથી.
બોલીવૂડમાં હાલની પેઢીના અભિનેતાઓમાં શાહરૂખ ખાને 39 સફળ ફિલ્મો આપી છે તો સલમાને 38 અને અજય દેવગને 37. આમ, આ અભિનેતાઓ સાથેની રેસમાં અક્ષય ઘણો આગળ નીકળી ગયો છે.
બોલીવૂડમાં 27 વર્ષથી પોતાની એક્ટિંગ પ્રતિભા વડે દર્શકોનું મનોરંજન કરનાર અક્ષયની સફળ ફિલ્મો છે – ગોલ્ડ, પેડમેન, ટોઈલેટઃ એક પ્રેમકથા, જોલી એલએલબી 2, રુસ્તમ, હાઉસફૂલ 3, એરલિફ્ટ, ગબ્બર ઈઝ બેક, બેબી, હોલીડે, સ્પેશિયલ 26, ખિલાડી 786, ઓહ માય ગોડ, રાઉડી રાઠોર, હાઉસફૂલ 2, તીસ માર ખાન, હાઉસફૂલ, દે ધના ધન, કમબખ્ત ઈશ્ક, સિંઘ ઈઝ કિંગ, ભૂલભૂલૈયા, હે બેબી, નમસ્તે લંડન, ભાગમભાગ, ફિર હેરા ફેરી, ગરમ મસાલા, વક્ત, ઐતરાઝ, મુઝસે શાદી કરોગી, ખાકી, અંદાઝ, આવારા પાગલ દીવાના, આંખે, અજનબી, એક રિશ્તા, ધડકન, હેરા ફેરી, જાનવર, મિસ્ટર એન્ડ મિસીસ ખિલાડી, ખિલાડીયોંકા ખિલાડી, સબસે બડા ખિલાડી, ઝાલીમ, સુહાગ, મૈં ખિલાડી તૂ અનાડી, મોહરા, યે દિલ્લગી, એલાન, ખિલાડી.
બોલીવૂડમાં અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર જ એવા બે અભિનેતા છે જેઓ 50થી વધુ સફળ ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે.