મુંબઈઃ દુનિયાભરમાં આજે ‘મધર્સ ડે’ની લાગણીસભર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અહીં અમુક એવી અભિનેત્રીઓ વિશે જાણીએ જેમણે ફિલ્મોમાં એ જ અભિનેતાઓની માતા અને પ્રેમિકા-પત્ની, એમ બંનેની ભૂમિકા ભજવી હતી. એમની બંને ભૂમિકાને દર્શકોએ વધાવી હતી, કારણ કે દિગ્દર્શકોએ એ ભૂમિકાઓને બહુ સરસ રીતે પડદા પર પેશ કરી હતી.
આવી અભિનેત્રીઓઓ છેઃ નરગીસ, શર્મિલા ટાગોર, વહીદા રેહમાન, રાખી.
નરગીસ દત્ત અને સુનીલ દત્તઃ
નરગીસે ‘મધર ઈન્ડિયા’માં સુનીલ દત્તની માતાની ભૂમિકા કરી હતી. એ જ ફિલ્મના શૂટિંગ વખતે બંને જણ એકબીજાનાં પ્રેમમાં પડ્યાં હતાં અને લગ્નબંધનથી બંધાયા હતા. 1964માં, સુનીલ દત્તે ‘યાદેં’ નામની ફિલ્મ બનાવી હતી જેમાં સુનીલ દત્તે એકલાએ જ ભૂમિકા ભજવી હતી, પરંતુ ફિલ્મને અંતે નરગીસની છબી બતાવવામાં આવે છે જે દ્વારા એવું દર્શાવવામાં આવે છે કે સુનીલ દત્ત અને નરગીસ બંને પતિપત્ની હતાં.
રાખી અને અમિતાભ બચ્ચનઃ
રાખીએ ‘કભી કભી’, ‘કશ્મે વાદે’, ‘ત્રિશુલ’, ‘બરસાત કી એક રાત’ જેવી ઘણી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનની પ્રેમિકા-પત્નીનો રોલ કર્યો હતો. ત્યારબાદ ‘શક્તિ’ ફિલ્મમાં એમણે અમિતાભની માતાનો રોલ કર્યો હતો.
શર્મિલા ટાગોર અને અમિતાભ બચ્ચનઃ
શર્મિલા ટાગોરે ‘બેશરમ’, ‘એકલવ્ય’, ‘ફરાર’, ‘દેશપ્રેમી’, ‘વિરુદ્ધ’ ફિલ્મોમાં અમિતાભની પ્રેમિકા તરીકે ભૂમિકા ભજવી હતી. 1982માં આવેલી ‘દેશપ્રેમી’માં અમિતાભ પિતા-પુત્ર, એમ ડબલ રોલમાં હતા, તેથી શર્મિલા એમના માતા પણ બન્યાં હતાં.
શર્મિલા ટાગોર અને રાજેશ ખન્નાઃ
શર્મિલા ટાગોર અને રાજેશ ખન્નાએ ‘આરાધના’, ‘અમર પ્રેમ’, ‘સફર’, ‘માલિક’ જેવી ફિલ્મોમાં પ્રેમીઓ તરીકે કામ કર્યું હતું. જોકે, ‘આરાધના’માં, શર્મિલા એ જ રાજેશ ખન્નાના માતા પણ બન્યાં હતાં.
વહીદા રેહમાન અને અમિતાભ બચ્ચનઃ
વહીદા રેહમાન અને અમિતાભે ‘કભી કભી’ અને ‘અદાલત’માં પતિ-પત્નીનો રોલ કર્યો હતો, પરંતુ ‘ત્રિશુલ’ અને ‘નમક હલાલ’માં વહીદા અમિતાભનાં માતા બન્યાં હતાં. અમિતાભ કરતાં વહીદા ઉંમરમાં પાંચ વર્ષ મોટાં છે.