કાર્તિક આર્યને બતાવી વિશાળ ગુજરાતી થાળીની ઝલક

વડોદરાઃ બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન આમ તો વિવિધ પ્રકારની વાનગીઓ ખાવાનો ભારે શોખીન છે, પણ વડોદરામાં વિશાળ કદની ગુજરાતી થાળી જોઈને તે ચકિત થઈ ગયો. એણે તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે પૂલસાઈડ બે ટેબલ પર વિવિધ પકવાનોથી ભરેલી બે વિશાળ કદની ગુજરાતી થાળી તરફ ઈશારો કરી રહ્યો છે. તસવીરની કેપ્શનમાં એણે લખ્યું છેઃ ‘હાથ નથી લગાવતો, માત્ર જોઈ રહ્યો છું.’ દેખીતી રીતે જ એના કહેવાનો મતલબ છે કે થાળીઓ એટલી વિશાળ છે અને અને એટલી બધી વાનગીઓથી ભરપૂર છે કે એને હાથ લગાડતા પોતાને પણ ડર લાગે છે.

(તસવીર સૌજન્યઃ કાર્તિક આર્યન ઈન્સ્ટાગ્રામ)

કાર્તિક હાલ એની નવી મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ ‘સત્યપ્રેમ કી કહાની’ના શૂટિંગ માટે વડોદરામાં આવ્યો છે. આ ફિલ્મમાં તેની હિરોઈન છે કિયારા અડવાની. બંનેની સાથે આ બીજી ફિલ્મ છે. અગાઉ તેઓ ‘ભૂલભૂલૈયા-2’માં કામ કરી ચૂક્યાં છે. કાર્તિકની બીજી બે નવી ફિલ્મ પણ આવી રહી છે. ‘શેહઝાદા’માં તે કૃતિ સેનન સાથે ચમકશે જ્યારે ‘કેપ્ટન ઈન્ડિયા’માં પણ તે મુખ્ય ભૂમિકામાં છે.