મુંબઈ – બોલીવૂડ કલાકારો રણવીર સિંહ અને દીપિકા પદુકોણ રીયલ લાઈફ બાદ હવે રીલ લાઈફમાં પણ પતિ-પત્ની બનવાનાં છે.
લગ્ન કર્યાં બાદ બંને કલાકાર ’83 ફિલ્મમાં સાથે કામ કરતાં જોવા મળશે. ’83 ફિલ્મ 1983માં ઈંગ્લેન્ડમાં રમાઈ ગયેલી ભારતની પ્રુડેન્શિયલ વર્લ્ડ કપની શાનદાર, યાદગાર જીત પર આધારિત છે.
’83 ફિલ્મમાં રણવીર સિંહની પત્નીનો રોલ દીપિકા ભજવશે એની જાહેરાત થઈ ગઈ છે.
પણ હવે એક નવા સમાચાર એ જાણવા મળ્યા છે કે દીપિકાએ આ ફિલ્મમાં કામ કરવા માટે રૂ. 14 કરોડનો ચાર્જ લીધો છે.
શરૂઆતમાં દીપિકાએ આ ફિલ્મમાં કામ કરવાની ઓફરમાં રસ લીધો નહોતો, પણ રણવીરના સમજાવવાથી અને ફીની રકમનો સ્વીકાર કરાયા બાદ એ તૈયાર થઈ છે.
દીપિકા ફિલ્મમાં નાની ભૂમિકા કે સાઈડ રોલ કરવા માટે તૈયાર નહોતી, પરંતુ ’83 ફિલ્મનો રોલ કરવા માટે રણવીરે એને મનાવી લીધી છે.
ફિલ્મમાં રણવીર સિંહ 1983ની વર્લ્ડ કપ સ્પર્ધાની વિજેતા ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવનો રોલ કરશે અને દીપિકા કપિલના પત્ની રોમી ભાટિયા-દેવનો રોલ કરશે.
રણવીર અને દીપિકા અભિનીત અને કબીર ખાન દિગ્દર્શિત ’83 ફિલ્મ 2020ની 10 એપ્રિલે રિલીઝ થવાની છે.
દીપિકા સાથે રણવીરની આ ચોથી ફિલ્મ હશે. આ પહેલાં બંને જણ ‘રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’માં કામ કરી ચૂક્યાં છે. આ તમામ ફિલ્મના સર્જક હતા સંજય લીલા ભણસાલી. આ ત્રણેય ફિલ્મોમાં રણવીર અને દીપિકાનાં પાત્રો અંતમાં મૃત્યુ પામતાં બતાવવામાં આવ્યા છે, પણ ’83 ફિલ્મમાં બેઉને જીવતા બતાવવામાં આવશે.
દીપિકા હાલ મેઘના ગુલઝાર દિગ્દર્શિત ‘છપાક’ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. એ ફિલ્મ 2020ની 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ‘છપાક’માં એ એસિડ હુમલાનો ભોગ બનેલી એક વિદ્યાર્થિનીનો રોલ કરી રહી છે.