કોરોના સંક્રમિત રણધીર કપૂરની સ્થિતિ સુધારા પર

મુંબઈઃ કોરોના વાઇરસની બીજી લહેર ખતરનાક થતી જઈ રહી છે. દરેક બાજુથી ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં તો કોરોનાએ બધા રેકોર્ડ તોડ્યા છે. હવે બોલીવૂડ એક્ટર રણધીર કપૂર કોરોના સંક્રમિત થયાના અહેવાલ છે અને તેઓ હોસ્પિટલમાં એડમિટ છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેઓ કોકિલાબહેન હોસ્પિટલમાં એડમિટ છે. જોકે તેમણે કહ્યું હતું કે તેમને કોરોનાના એક પણ લક્ષણ નહોતાં. જોકે તેમણે કહ્યું હતું કે મારો પૂરો પાંચ જણનો સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે અને તેઓ પણ મારી સાથે હોસ્પિટલમાં એડમિટ થયો છે.

રણધીર કપૂરે કહ્યું હતું કે તેમણે કોરોનાની રસીના બે ડોઝ લીધા હતા, છતાં તેઓ કોરોના સંક્રમિત થયા છે. રણધીરે કહ્યું હતું કે ડોક્ટર્સે મને કેટલાક વધુ ટેસ્ટ કરવા માટે કહ્યું હતું, જેને કારણે તેમને ICUમાં શિફ્ટ થવું પડ્યું હતું

તેમણે કહ્યું હતું કે હોસ્પિટલમાં મારી સારી રીતે સંભાળ લેવામાં આવી રહી છે. ટીના અંબાણી મારા માટે ઘણુંબધું કરી રહ્યાં છે. ડોક્ટર્સ મારી આસપાસ રહે છે. મને હજી સુધી કોઈ ગંભીર સમસ્યા નથી અને ઓક્સિજનની મારે હજી જરૂર નથી પડી અને મને થોડો તાવ હતો, પણ હવે તાવ પણ નથી. રણધીરે કહ્યું હતું કે તેમની પુત્રીઓ કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર અને પત્ની બબિતાએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા, પણ તેમના રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા છે.