સલમાનને નિયમાનુસાર રોકનાર એરપોર્ટ અધિકારીને ઈનામ અપાયું

મુંબઈઃ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રવેશદ્વાર ખાતે બોલીવુડ અભિનેતા સલમાન ખાનને અટકાવનાર અને એને સિક્યુરિટી ચેક મારફત જ આવવાનું કહેનાર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના અધિકારીને ઉચિત ઈનામ આપવામાં આવ્યું છે. પોતાની ફરજ બજાવવામાં પ્રામાણિકતા બતાવવા બદલ અધિકારીને આ ઈનામ આપવામાં આવ્યું છે એવું આ કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું છે. અગાઉ એક અખબારી અહેવાલ હતો કે સલમાનને એરપોર્ટ પર રોકનાર CISFના અધિકારી ઓડિશાના છે. તે બનાવ વિશે મિડિયાવાળાઓ સાથે વાત કરવા બદલ એમને તેમના ઉપરીએ ઠપકો આપ્યો હતો અને એમનો મોબાઈલ ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. પરંતુ CISF તરફથી એ બાબતમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એજન્સીએ એક સત્તાવાર ટ્વીટમાં કહ્યું છે કે એ અધિકારીને તો એમની ફરજ વ્યાવસાયિક કુશળતા દર્શાવવા બદલ ઈનામ આપવામાં આવ્યું છે.

સંબંધિત ઘટના ગયા અઠવાડિયે બની હતી જ્યારે સલમાન ખાન અને તેની હિરોઈન કેટરીના કૈફ ‘ટાઈગર 3’ ફિલ્મનું શૂટિંગ કરવા માટે રશિયા જતા હતા. સલમાન એરપોર્ટના પ્રવેશદ્વાર ખાતે અન્ય વિમાન પ્રવાસીઓની સાથે લાઈનમાં ઊભા રહી સિક્યુરિટી ચેકમાંથી પાસ થયા વિના સીધો જ અંદર જતો રહ્યો હતો. પરંતુ, ત્યાં હાજર CISFના અધિકારીએ તરત જ સલમાનને અટકાવ્યો હતો અને એને સિક્યુરિટી ચેકમાં થઈને આવવા તથા પ્રોટોકોલનું પાલન કરવાનું કહ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]