મુંબઈઃ ટીવી અભિનેત્રી તુનિશા શર્માનાં શૂટિંગના સેટ પર થયેલા શંકાસ્પદ મૃત્યુના કેસમાં તપાસ કરાવવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાની સિનેમા કલાકારોના સંગઠને મહારાષ્ટ્ર સરકારને વિનંતી કરી છે.
ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન દ્વારા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે કે સરકાર તુનિશા શર્માનાં મૃત્યુ કેસમાં યોગ્ય રીતે તપાસ કરાવે. એસોસિએશનના પ્રમુખ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ કહ્યું છે કે, ‘તુનિશાનું જ્યાં મૃત્યુ થયું હતું તે શૂટિંગ સેટની મેં મુલાકાત લીધી હતી. સેટ પર કામ કરતાં લોકો ગભરાઈ ગયાં છે. ચોક્કસપણે કંઈક ખોટું બન્યું હોવું જોઈએ. સેટ પર મહિલાઓ સુરક્ષિત નથી. સેટ એટલો બધો દૂરના સ્થળે છે કે લોકો ત્યાં આવતા-જતાં ડરે છે. સરકારે આ બાબતમાં ધ્યાન આપવું જોઈએ. SIT દ્વારા તપાસ કરાવવાથી ઘણી બાબતો બહાર આવશે.’
ઉલ્લેખનીય છે કે, તુનિશા શર્મા ‘અલીબાબાઃ દાસ્તાં-એ-કાબુલ’ ટીવી સિરિયલનું શૂટિંગ કરતી હતી. ગયા શનિવારે તે સેટના મેકઅપ રૂમના વોશરૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જોકે એના દ્વારા લખાયેલી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. વસઈ પોલીસે આને આત્મહત્યાનો કેસ ગણી તપાસ હાથ ધરી છે.