નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશભરમાં તમામ થિયેટરો અને મલ્ટીપ્લેક્સીસને 1 ફેબ્રુઆરીના સોમવારથી 100 ટકા સીટિંગ ક્ષમતા સાથે ફિલ્મો બતાવવાની મંજૂરી આપી છે. અત્યાર સુધી માત્ર 50 ટકા દર્શકોની ક્ષમતા સાથે સિનેમા હોલમાં શો ચાલુ રાખવાની પરવાનગી અપાઈ હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે નવી ગાઈડલાઈન્સ અંતર્ગત આ જાહેરાત કરી છે. એમણે કહ્યું કે કોરોના વાઈરસ મહાબીમારી બાદ હવે પરિસ્થિતિ ઝડપથી સામાન્યવત્ થઈ રહી છે તેથી આ રાહત આપવામાં આવી છે. જોકે કન્ટેનમેન્ટ ઝોન્સમાંના થિયેટરો, મલ્ટીપ્લેક્સીસમાં ફિલ્મો દર્શાવવાની પરવાનગી નથી.
જોકે અમુક શરતો રાખવામાં આવી છે. જેમ કે, મલ્ટીપલ સ્ક્રીન્સ ખાતે દર્શકોની ભીડ જમા ન થાય એટલા માટે શોના ટાઈમિંગમાં અંતર રાખવાનું રહેશે. બે શો વચ્ચે પર્યાપ્ત અંતર રાખવાનું રહેશે. ફેસ માસ્ક પહેરવાના જરૂરી રહેશે, થિયેટરોના પ્રવેશદ્વાર ખાતે દર્શકો, કર્મચારીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવાનું રહેશે, કોરોનાના લક્ષણ ન હોય તેમને જ પરિસરમાં પ્રવેશ આપવાનો રહેશે, ફિઝિકલ ડિસ્ટન્સ રાખવાનું રહેશે, સિનેમાહોલમાં એર કન્ડિશનિંગ 24-30 ડિગ્રી સેલ્શિયસ સેટ કરી રાખવાનું રહેશે, ઓનલાઈન ટિકિટ બુકિંગ વ્યવસ્થાને ઉત્તેજન આપવાનું રહેશે.