બોલીવુડની આ ફિલ્મોનું શૂટિંગ અફઘાનિસ્તાનમાં થયું હતું

મુંબઈઃ અફઘાનિસ્તાનમાં હાલ ભયંકર આંતરિક કટોકટી સર્જાઈ છે. આંતરવિગ્રહને કારણે પ્રમુખ અશરફ ઘનીને દેશ છોડીને ચાલ્યા જવું પડ્યું છે. ઈસ્લામિક રૂઢિચુસ્ત તાલિબાન સંગઠને દેશમાં સત્તા કબજે કરી છે. તાલિબાનના સહ-સ્થાપક મુલ્લા અબ્દુલ ઘની બરાદર કદાચ દેશના નવા પ્રમુખ બનશે એવું મનાય છે.

અફઘાનિસ્તાનના વિમાનીમથક અને રસ્તાઓ પર જે અંધાધૂંધીના દ્રશ્યો સોશિયલ મિડિયા પર ફરી રહ્યાં છે તે જોઈને કોઈને પણ સવાલ થાય કે આ દેશમાં કળા અને સિનેમાનું શું થશે? કારણ કે તાલિબાન ઉગ્રવાદીઓ એમના કટ્ટર ઈસ્લામિક વલણ માટે જાણીતા છે. આ તંગદિલી વચ્ચે એ જાણકારી આપવાની કે અફઘાન લોકોનો હિન્દી સિનેમા સાથે ઘણો જૂનો અને બહોળો સંબંધ રહ્યો છે. ઘણી બોલીવુડ ફિલ્મોનું શૂટિંગ અફઘાનિસ્તાનમાં કરવામાં આવ્યું છે.

આ ફિલ્મો છેઃ ધર્માત્મા (ફિરોઝ ખાન, હેમા માલિની, રેખા), ખુદા ગવાહ (અમિતાભ બચ્ચન, શ્રીદેવી), જાનશીન (ફરદીન ખાન, સેલિના જેટલી), કાબુલ એક્સપ્રેસ (જોન અબ્રાહમ, અર્શદ વારસી), ટોરબાઝ (સંજય દત્ત). ઉલ્લેખનીય છે કે, ધર્માત્મા (1975) પહેલી હિન્દી ફિલ્મ હતી જેનું શૂટિંગ અફઘાનિસ્તાનમાં કરાયું હતું. ફિરોઝ ખાનના પૂર્વજો અફઘાનિસ્તાનના શાહી પરિવારના હતા. તેથી નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા ફિરોઝ ખાનની વગને કારણે અફઘાનિસ્તાનમાં આ ફિલ્મનું શૂટિંગ કરવાનું શક્ય બની શક્યું હતું.