બોલીવુડના અમુક લોકોના ISI સાથે સંબંધઃ BJP નેતાનો દાવો

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ઉઠી રહેલા સવાલો વચ્ચે હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક સનસનાટીભર્યો ઘટસ્ફોટ થયો છે, જેને કારણે નવો વિવાદ ઊભો થઈ શકે છે. ભાજપના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા બૈજયંત જય પાંડાએ દાવો કર્યો છે કે, બોલીવુડના કેટલાક સિતારાઓના સંબંધ પાકિસ્તાનીઓ અને બિનનિવાસી ભારતીયો સાથે છે.

ઓડિશાના પૂર્વ સાંસદ પાંડાએ કરેલા ટ્વીટમાં આ દાવો કરવામાં આવ્યો છે. જો કે, ટ્વીટમાં કોઈનું નામ આપવામાં આવ્યું નથી પરંતુ તેમણે બોલીવુડના દેશભક્તોને આવા લોકોની ટીકા કરવાની અપીલ કરી છે. તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, બોલીવુડની કેટલીક હસ્તીઓને એવા પાકિસ્તાનીઓ અને NRIs સાથે પારિવારીક અને વ્યાવસાયિક સંબંધ છે જેમની જમ્મૂ અને કાશ્મીરમાં હિંસાને વેગ આપવામાં ભૂમિકા રહી છે. આ લોકોના સંબંધ પાકિસ્તાની સેના અને ત્યાંની ગુપ્તચર એજન્સી ISI સાથે પણ છે.

પાંડાના ટ્વીટને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રતિક્રિયા મળી છે. કેટલાક લોકોએ તેમને બોલીવુડના આ પ્રકારના લોકોના નામ જાહેર કરવા અને આ મામલે વિસ્તૃત જાણકારી આપવાની અપીલ કરી છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે, આ પ્રકારની તપાસ NIA દ્વારા થવી જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]