મુંબઈ: અત્યાર સુધી ભારતની સુષ્મિતા સેન, લારા દત્તા અને હરનાઝ સંધુએ મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. ત્યારે એક મહિલા વકીલે પણ મોડલિંગમાં ઈતિહાસ રચ્યો છે. મિસ યુનિવર્સ બ્યુનોસ આયર્સ 2024નો ખિતાબ જીતનાર મહિલા વકીલની ઉંમર 60 વર્ષ છે. સમાચાર સાંભળીને લોકોને એ જાણવામાં વધુ રસ પડ્યો છે કે કોણ છે એ મહિલા જેણે આ ખિતાબ જીતી હજારો મહિલાઓને પ્રેરણા પુરી પાડી છે.
તસવીર: ઈન્સ્ટાગ્રામ
હકીકતે, આર્જેન્ટિનાની અલેજાન્દ્રા મેરિસા રોડ્રિગ્ઝે સ્ટીરિયોટાઇપ તોડી અને બ્યુનોસ આયર્સ પ્રાંત માટે મિસ યુનિવર્સ 2024નો પ્રતિષ્ઠિત ખિતાબ જીતીને ઇતિહાસના પુસ્તકોમાં પ્રવેશ કર્યો, જેની જાહેરાત બુધવારે કરવામાં આવી હતી. તેમની સફર પણ એટલી રસપ્રદ અને અદ્ભૂત છે. એલેજાન્ડ્રા માત્ર બ્યુટી ક્વીન નથી. હકીકતમાં તેઓ વકીલ અને પત્રકાર પણ છે.
તસવીર: ઈન્સ્ટાગ્રામ
અગાઉ, ફક્ત 18 થી 28 વર્ષની વયની મહિલાઓ જ સ્પર્ધામાં ભાગ લઈ શકતી હતી. પરંતુ સપ્ટેમ્બર 2023માં મિસ યુનિવર્સ સંસ્થાએ આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે વય મર્યાદા દૂર કરી છે. એલેજાન્દ્રા રોડ્રિગ્ઝની સફળતા દર્શાવે છે કે આત્મવિશ્વાસ અને ધગષ તથા મહેનતથી તમામ અવરોધો પાર કરી શકાય છે. એલેજાન્દ્રા આ પ્રતિષ્ઠિત તાજ હાંસલ કરનાર તેના વય જૂથના પ્રથમ સ્પર્ધક બની ગયા છે. તેનું મનમોહક સ્મિત અને દયાળુ વર્તને નિર્ણાયકો અને પ્રેક્ષકોના દિલ જીતી લીધા. આ જીત સાથે રોડ્રિગ્ઝ મિસ યુનિવર્સ આર્જેન્ટિના 2024 તાજ માટે સ્પર્ધા કરવા માટે પ્રતિબદ્ધ છે.
રોડ્રિગ્ઝની અભૂતપૂર્વ સિદ્ધિઓ સાથે અન્ય મહિલાઓ પણ આત્મવિસ્વાસ દ્વારા મોડલિંગ સ્પર્ધાનું ક્ષેત્ર પસંદ કરી રહી છે અને પ્રખ્યાત ટાઇટલ માટે વય અવરોધો તોડી આગળ આવી રહી છે. એક અહેવાલ અનુસાર, 47 વર્ષીય હેઈદી ક્રુઝ આગામી 2024 સ્પર્ધામાં ડોમિનિકન રિપબ્લિકનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે, જે આ વર્ષના અંતમાં મેક્સિકો સિટીમાં યોજાવાની છે.
અલેજાન્દ્રા મેરિસા રોડ્રિગ્ઝે તેની જીત બાદ મીડિયાને કહ્યું,’હું સૌંદર્ય સ્પર્ધાઓમાં આ નવા પ્રતિમાનનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્સાહિત છું કારણ કે અમે એક નવા તબક્કાનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ જેમાં મહિલાઓ માત્ર શારીરિક સૌંદર્ય જ નહીં પરંતુ મૂલ્યોનું પણ પ્રતિનિધિત્વ કરે છે.’
નોંધનીય છે કે મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશને ગત વર્ષે જાહેરાત કરી હતી કે સ્પર્ધકો માટે કોઈ વય મર્યાદા નથી. આ સ્પર્ધામાં 18 વર્ષથી ઉપરની મહિલાઓ ભાગ લઈ શકશે. જ્યારે અગાઉ 18 થી 28 વર્ષની મહિલાઓ માટે ભાગ લેવાનો નિયમ હતો.