આસામના પૂરગ્રસ્તો માટે અક્ષયકુમારે રૂ. બે કરોડની સહાયતા કરી

મુંબઈ – ઈશાન ભારતના રાજ્ય આસામમાં પૂરની આફતે હાહાકાર મચાવ્યો છે. ત્યાંના 33માંથી 30 જિલ્લાઓમાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે. લાખોની સંખ્યામાં લોકો તથા પશુ-ઢોરોની હાલત કફોડી થઈ ગઈ છે. એમને હિજરત કરવી પડી છે, વિસ્થાપિત થયા છે. આવા ભયાનક કુદરતી મેઘતાંડવમાં ત્યાંના લોકોની મદદ માટે બોલીવૂડ અભિનેતા અક્ષયકુમાર આગળ આવ્યો છે. એણે મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં કુલ બે કરોડની રકમ દાન રૂપે આપી છે.

એક કરોડ રૂપિયા એણે પૂરગ્રસ્ત રાજ્ય માટે અને બીજા એક કરોડ રૂપિયા કાઝીરંગા નેશનલ પાર્ક માટે આપ્યા છે.

અક્ષયે ટ્વીટ કરીને લખ્યું છે કે આસામમાં પૂરે વેરેલા વિનાશનાં દ્રશ્યો જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું છે. આવા મહાસંકટના સમયમાં ત્યાંના તમામ અસરગ્રસ્ત માનવીઓ તથા પ્રાણીઓને સહાયતા કરવી જોઈએ. હું મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં એક કરોડ રૂપિયા તેમજ કાઝીરંગા પાર્કમાં બચાવકાર્ય માટે અલગ એક કરોડ રૂપિયા દાનમાં આપીશ.

આ રાષ્ટ્રીય એવોર્ડવિજેતા અભિનેતાએ પૂરગ્રસ્તોની મદદ કરવાની દરેક જણને વિનંતી પણ કરી છે.

 

એણે વધુમાં લખ્યું છે, યોગદાન આપવાની તમામને અપીલ કરું છું.

આસામમાં પૂર તથા ભેખડો ધસી પડવાની ઘટનાઓમાં 15 જેટલા લોકો માર્યા ગયા છે અને 46 લાખ જેટલા લોકોને માઠી અસર પડી છે.

ઉત્તર બિહારમાં પણ ભયાનક પૂર આવ્યું છે. ત્યાં 24 જણ માર્યા ગયા છે.

આસામમાં 4,175 ગામડાઓમાં પૂર આવ્યું છે. 90 હજાર હેક્ટર કૃષિલાયક જમીન ડૂબાણ હેઠળ ગઈ છે. 10 લાખથી વધારે પ્રાણીઓને માઠી અસર પહોંચી છે. કાઝીરંગા નેશનલ પાર્ક 90 ટકા ડૂબી ગયું છે.