બોલીવુડ સિંગર અદનાન સામી પર 50 લાખનો દંડ: જાણો કારણ

મુંબઈમાં ફ્લેટ્સ અને પાર્કિગની જગ્યા ખરીદવા મામલે સરકારે જાણીતા સિંગર અદનાન સામી પર 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હકીકતમાં વર્ષ 2003માં પાકિસ્તાની નાગરિકતા હોવા છતાં મુંબઈમાં ફ્લેટ અને પાર્કિંગ સ્પેસ ખરીદવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે, આ દંડ સિંગર માટે રાહતની વાત છે કારણ કે, આ અગાઉ EDએ અદનાનની કરોડોની પ્રૉપર્ટી જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો, જેને 12 સપ્ટેમ્બરે ટ્રિબ્યૂનલ કોર્ટ ફગાવી દીધો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2003માં અદનાન સામીએ મુંબઈમાં 8 ફ્લેટ્સ અને 5 પાર્કિંસ સ્પેસ ખરીદ્યા હતા. તે સમયે તેની પાસે પાકિસ્તાની નાગરિકતા હતી. આ પ્રૉપર્ટીઝને ખરીદવાની જાણકારી અદનાને RBIને આપી નહતી જે નિયમોનું ઉલ્લંઘન ગણાય. વાસ્તવમાં ભારતીય કાયદા પ્રમાણે જો કોઈ વ્યક્તિ બહારના દેશનો નાગરિક હોય અને તે ભારતમાં પ્રૉપર્ટી લે અથવા કોઈ પ્રકારનું રોકાણ કરે તો તેની સૂચના તેણે RBIને આપવી ફરજીયાત હોય છે.

અદનાન સામી દ્વારા આ વિશે સૂચના ન આપવાની વાત ખબર પડ્યાં બાદ ફૉરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત ઈડીએ સિંગર પર વર્ષ 2010માં 20 લાખ રૂપિયાનો દંડ લગાવી પ્રૉપર્ટી સીઝ કરી દીધી હતી. આની વિરુદ્ધ અદનાને ટ્રિબ્યૂનલ કોર્ટમાં અપીલ કરી હતી. હવે આના પર 12 સપ્ટેમ્બરે  ટ્રિબ્યૂનલનો નિર્ણય આવ્યો છે.

ટ્રિબ્યૂનલે પોતાના નિર્ણયમાં કહ્યું કે, આ કેસમાં કોઈપણ પ્રકારનું ફૉરેન એક્સચેન્જ શામેલ નથી, એટલે વિદેશી મુદ્રાનું કોઈ નુકસાન થયું નથી. બધી ચૂકવણી ભારતીય રૂપિયામાં કરવામાં આવી છે. પ્રૉપર્ટી માટે લેવામાં આવેલી લોન અને ભારત તથા બહારથી થયેલી કમાણી અને તેના પર લાગનારા ટેક્સને પણ સિંગરે ભારતીય રૂપિયામાં ચુકવ્યા છે. આ વાતને આધાર બનાવતા ટ્રિબ્યૂનલે ફેમા અંતર્ગત જપ્તીના આદેશને ફગાવી દીધા. જોકે, તેમણે ઈડી દ્વારા લગાવવામાં આવેલા વળતરની રકમ 20 લાખથી વધારીને 50 લાખ કરી દીધી. આના માટે અદનાનને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અદનાન સામી વર્ષ 2001માં પ્રથમ વખત એક વર્ષના પ્રવાસી વીઝા પર ભારત આવ્યા હતાં. ત્યારબાદ અદનાને બોલીવુડ અને ભારતીય મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં કામ કરીને ખુબ નામના મેળવી. ભારતમાં રહેતા અદનાને ભારતની નાગરિકતા માટે અરજી કરી હતી, ત્યારબાદ વર્ષ 2015માં અદનાનને ભારતીય નાગરિકતા મળી હતી.