પ્રભાસે પોતાની ફી વધારીને રૂ.120 કરોડ કરી?

મુંબઈઃ ભારતીય પૌરાણિક કથા રામાયણ પરથી દિગ્દર્શક ઓમ રાઉત હિન્દી ફિલ્મ ‘આદિપુરુષ’ બનાવી રહ્યા છે. એમાં પ્રભાસ મુખ્ય અભિનેતા છે. આ ફિલ્મ માટે ઓમ રાઉતે રૂ. 500 કરોડનું બજેટ નક્કી કર્યું છે. એવો અહેવાલ છે કે, પ્રભાસે આ ફિલ્મ માટે પોતાની ફીની રકમ વધારીને રૂ. 120 કરોડ કરી છે. આને કારણે નિર્માતાઓ પરેશાન થઈ ગયા છે, કારણ કે ફિલ્મનું ઘણું ખરું શૂટિંગ હજી બાકી છે તેવામાં પ્રભાસે પોતાની ફી વધારી દીધી છે. પ્રભાસની માગણીને કારણે ફિલ્મનું બજેટ 25 ટકા વધી જશે. નવાઈની વાત એ છે કે પ્રભાસની પાછલી ફિલ્મ ‘રાધે શ્યામ’ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હોવા છતાં એણે ‘આદિપુરુષ’ માટે ફીની રકમમાં તગડા વધારાની માગણી કરી છે.

પ્રભાસ થોડાક દિવસો અગાઉ મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં દિગ્દર્શક ઓમ રાઉતને મળવા એમના નિવાસસ્થાને જતો દેખાયો હતો. રાઉતે એમના નિવાસસ્થાને એક પાર્ટી યોજી હતી અને એમાં પ્રભાસે હાજરી આપી હતી. ‘આદિપુરુષ’માં પ્રભાસ ઉપરાંત સૈફ અલી ખાન, કૃતિ સેનન પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મ 2023ની 12 જાન્યુઆરીએ રિલીઝ કરવાનું નિર્ધારવામાં આવ્યું છે.