‘12th ફેલ’ ફિલ્મને ઓસ્કર-2024 માટે સ્વતંત્ર એન્ટ્રી તરીકે મોકલાઈ

મુંબઈઃ બોલીવુડ નિર્માતા-દિગ્દર્શક વિધૂ વિનોદ ચોપરા નિર્મિત નવી હિન્દી ફિલ્મ ‘12th ફેલ’ને 96મા ઓસ્કર એવોર્ડ (2024)માં સ્વતંત્ર નામાંકન તરીકે મોકલવામાં આવી છે. ફિલ્મના અભિનેતા વિક્રાંત મેસ્સીએ આ સમાચારને સમર્થન આપ્યું છે. આ ફિલ્મ ગઈ 27 ઓક્ટોબરે દેશભરમાં થિયેટરોમાં રિલીઝ કરાઈ હતી. આ ફિલ્મમાં વિક્રાંત મેસ્સી અને મેધા શંકરની જોડી છે.

કમલ હાસન, રિષભ શેટ્ટી, સંજય દત્ત, ફરહાન અખ્તર, અનિલ કપૂર તથા બોલીવુડના બીજા ઘણા નામાંકિત વ્યક્તિઓએ આ ફિલ્મની પ્રશંસા કરી છે.

આ ફિલ્મ UPSC (યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન) પરીક્ષા આપવા ઈચ્છનારાઓ અને સત્યઘટનાઓ પર આધારિત છે. UPSC એન્ટ્રન્સ પરીક્ષા પહેલી જ વાર આપનાર લાખો ઉમેદવાર વિદ્યાર્થીઓને જીવનમાં કેવા સંઘર્ષનો સામનો કરવો પડે છે તે અનુભવો અને ઘટનાઓને ‘12th ફેલ’ ફિલ્મ રૂપે રજૂ કરવામાં આવ્યા છે. વિધૂ વિનોદ ચોપરા હંમેશાં કડવી વાસ્તવિક્તા પર આધારિત ફિલ્મો બનાવતા આવ્યા છે. ‘12th ફેલ’ એવી જ એક છે. એમણે આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ દિલ્હીના મુખરજી નગરમાં કર્યું હતું. આ ફિલ્મ 27 ઓક્ટોબરે કંગના રણૌતની ‘તેજસ’ સાથે થિયેટરોમાં રિલીઝ કરાઈ હતી.