પતંગોત્સવ દરમ્યાન ઇમર્જન્સી કેસોમાં ત્રણ ગણો વધારો નોંધાયો

અમદાવાદઃ રાજ્યમાં 14 અને 15 જાન્યુઆરી દરમ્યાન ઇમર્જન્સી કેસોની સંખ્યા વધીને 4947 થઈ ગઈ છે, જે ગયા વર્ષે ઉત્તરાયણની તુલનાએ 470 વધુ છે. પતંગોત્સવમાં ઇમર્જન્સી કેસોની સંખ્યા સામાન્ય દિવસોની તુલનામાં ત્રણ ગણી વધુ હતી. અમદાવાદમાં નોન વેહિક્યુલર ટ્રોમા (NVT)ની સંખ્યા 323 પહોંચી હતી, જે સામાન્ય દિવસોમાં 93 કેસોની હોય છે, એમ ઇમર્જન્સી-108ના અધિકારીઓએ માહિતી આપી હતી. અમદાવાદમાં વાહન અકસ્માતોની ઇમર્જન્સીની સંખ્યા બે ગણાથી વધુ થઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

અમદાવાદમાં 14 જાન્યુઆરીએ ઇમર્જન્સીની સંખ્યા 1050 સુધી પહોંચી હતી, જે સામાન્ય દિવસોમાં નોંધાયેલા કેસોથી 734 કેસોથી વધુ હતી. આ રીતે 15 જાન્યુઆએ સાંજ છ કલાક સુધી શહેરમાં 100 કેસ નોંધાયા હતા, જે દૈનિક સરેરાશ કરતાં વધુ હતા. રાજ્યમાં 15 જાન્યઆરીએ સાંજે છ સુધી 3345 ઇમર્જન્સી કેસો નોંધાયા હતા, જે પાછલા વર્ષના આ દિવસની તુલનામાં 303 વધુ તથા સામાન્ય દિવસોની તુલનાએ 645 વધુ હતા.

વાસી ઉત્તરાયણે રાજ્યમાં 1818 ઇમર્જન્સી કેસો નોંધાયા હતા, જે પાછલા વર્ષની તુલનામાં 63 ટકા વધુ હતા અને દૈનિક સરેરાશથી 216 કેસો વધુ હતા. ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં શારીરિક ઉત્પીડનના કેસમાં ચાર ગણો વધારો થયો હતો. 108 ઇમર્જન્સી દ્વારા 121 કેસો નોંધાયા હતા.