ગુજરાતમાં ચૂંટણીપંચે જાહેરનામું બહાર પાડ્યું

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં યોજાનાર ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ જશે. મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 26 લોકસભા તથા વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ 05 વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓ દ્વારા ચૂંટણી નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આગામી તા.19 એપ્રિલ, 2024 સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 11 વાગ્યાથી બપોરના 03 વાગ્યા દરમિયાન ઉમેદવારી પત્રો મળી શકશે તથા ભરેલા ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.20 એપ્રિલ, 2024ના રોજ સવારે 11 કલાકે હાથ ધરાશે. માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો તા.22 એપ્રિલ, 2024 ના રોજ બપોરે 03 વાગ્યા સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે.

 

વોટર્સ

મતદારયાદીમાં નોંધાયેલા 85 વર્ષથી વધુ વય ધરાવતા કુલ 4.19 લાખ કરતાં વધુ વરિષ્ઠ મતદારો તથા 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 3.75 લાખ કરતાં વધુ દિવ્યાંગ મતદારો; જો તેઓ ઈચ્છે તો પોતાના ઘરેથી મતદાન કરી શકે તે માટે તેઓને નિયત ફોર્મ-12D વિતરણ કરવાની અને ભરેલા ફોર્મ પરત મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી 12 જેટલી આવશ્યક સેવાઓના કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે રાજ્ય તથા જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી પોસ્ટલ બેલેટથી મતદાનની પદ્ધતિની સમજણ આપવામાં આવી છે. તેઓને આ માટેના નિયત ફોર્મ-12D પહોંચાડવાની કામગીરી હાલ ચાલુ છે.

લોકસભાની ચૂંટણી માટેનું સત્તાવાર નોટિફિકેશનની જાહેરાત સાથે જ સુરતમાં ઉમેદવારી પત્ર મેળવી અને ભરીને પરત કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. શુક્રવારે પહેલા દિવસે સુરત લોકસભા મત વિસ્તાર માટે ચૂંટણી લડવા માટે કુલ 21 ઉમેદવારો 43 લોકો કોરા ઉમેદવારીપત્રો સુરત કલેક્ટરેટમાંથી લઇ ગયા હતા. અલબત્ત, પહેલો દિવસ હોવાથી આજે એક પણ ઉમેદવારીપત્ર ભરાયું ન હતું.

આમ તો જાહેરનામુ પ્રસિદ્ધ થાય તે પહેલાં જ સુરત જિલ્લા ચૂંટણી તંત્રએ મોડલ કોડ ઓફ કન્ડક્ટ (ચૂંટણીની આદર્શ આચારસંહિતા)નો અમલ તેમજ રોકડ રકમની લેવડ દેવડ ઉપર નજર રાખવા સ્ટેટીક સ્ક્વોડની કામગીરી શરૂ કરી દીધી હતી. મતદાન વધુ કેવી રીતે થાય તે માટેના પ્રયાસો પણ હાથ ધર્યા હતાં. જોકે, શુક્રવારે રાજ્ય ચૂંટણી પંચની સાથે તમામ જિલ્લા કલેક્ટર દ્વારા લોકસભાની ચૂંટણીનું સત્તાવાર નોટિફિકેશન દરેક લોકસભા બેઠકો માટે અલગથી જાહેર કર્યુ હતું. નોટિફિકેશનની સાથે જ આજે સુરતમાં ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે નિમાયેલા સનદી અધિકારીઓએ પણ પહેલી બેઠક યોજી હતી. આદર્શ આચારસંહિતાનો અમલ, ઉમેદવારો દ્વારા થતાં ખર્ચના હિસાબોની ચકાસણી સહિતના મુદ્દાઓની વ્યવસ્થાનું અવલોકન કર્યુ હતું.

દરેક જિલ્લા ચૂંટણી તંત્રને વીડિયો સર્વેલન્સ ટીમ બનાવવાની સૂચના છે. આ ટીમ દરેક રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા યોજાનારી પોલિટીકલ ઇવેન્ટ પર દેખરેખ રાખશે. પોસ્ટર, બેનરથી માંડીને વાહનના પુરાવા, તેનો બનાવટ અને નોંધણી નંબર, ફર્નિચરની સંખ્યા, રોસ્ટ્રમનું કદ, બેનર અને કટ-આઉટ વગેરે સ્પષ્ટપણે જોઈ શકાય તે રીતે શુટિંગ કરાશે. સંવેદનશીલ મતક્ષેત્રોમાં રાજ્યની બહારના ડીઆઈજી સ્તરના અધિકારીઓની રેન્કથી નીચે ન હોય તેવા પોલીસ નિરીક્ષકને અન્ય બાબતોની સાથે-સાથે ફ્લાઈંગ સ્ક્વોડ અને સર્વેલન્સ ટીમોની કામગીરીની ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસાર કે સભા સરઘસ પર દેખરેખ માટે તૈનાત કરવામાં આવશે.

દરેક જિલ્લામાં મીડિયા સર્ટિફિકેટ અને મોનિટરિંગ કમિટી હશે. સુરત જિલ્લા લોકસભા મત વિસ્તાર માટે આ કમિટીનું કેન્દ્ર બહુમાળી ભવન ખાતે છે. જ્યાં 50થી વધારે ચૂંટણી સ્ટાફ વિવિધ ચેનલો અને સમાચાર પત્રનું અવલોકન કરી જરૂર જણાય પેઇડ ન્યુઝ બાબતેનું રેકોર્ડિંગ કરી સંબંધિત કમિટીને સ્ક્રૂટની માટે મોકલી આપશે. જિલ્લા ચૂંટણી અધિકારી, પોલીસ તંત્રના અહેવાલ સાથએ કારણોનો અભ્યાસ કરી કેન્દ્રીય ચૂંટણીપંચ અને રાજ્ય ચૂંટણી પંચને રિપોર્ટ કરાશે.