મુઘલો પર આઠ પાઠ, આપણા ધર્મો પર ફક્ત એક: આર. માધવન

નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા આર. ભારતીય શાળાઓમાં ભણાવવામાં આવતા ઇતિહાસના પાઠ્યક્રમ પર પ્રશ્ન ઊભો કર્યો છે. અભિનેતાએ કહ્યું કે જ્યારે તેઓ નાના હતા ત્યારે મુઘલ ઈતિહાસ પર વધુ અભ્યાસ કરાવાતો હતો, જ્યારે ચૌલ અને પલ્લવ જેવા દક્ષિણ ભારતના રાજાઓ પર ઓછું ભણાવવામાં આવતું હતું.

આ ટિપ્પણી તેમણે ત્યારે કરી છે જ્યારે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ સાતની ઇતિહાસની પુસ્તિકામાંથી દિલ્હી સલ્તનતમાં શાસન કરનાર મુઘલ સામ્રાજ્યના મોટા વિભાગો હટાવી દીધા છે. તેમાં મમલૂક, તુગલક, ખિલજી અને લોધી જેવા વંશો સામેલ હતા. આ દૂર કરવામાં આવેલા વિભાગો સાથે જ આધુનિક ભારતનાં સામાજિક આંદોલનો અને જાતિવ્યવસ્થાને લગતા અંશો પણ હટાવવામાં આવ્યા છે. હવે નવા પાઠમાં નવી વિગતોમાં મેક ઈન ઈન્ડિયા, બેટી બચાવો બેટી પઢાવો, તથા ચારધામ યાત્રા, શક્તિ પીઠ અને જ્યોતિર્લિંગ જેવી યાત્રાઓ દ્વારા ધરતીની પવિત્રતાની વાતો ઉમેરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે જ્યારે મેં શાળામાં ઇતિહાસ ભણ્યો હતો, ત્યારે મુઘલ ઈતિહાસ પર આઠ અધ્યાય હતા, હડપ્પા અને મોહેંજો-દડો પર બે અધ્યાય, બ્રિટિશ શાસન અને સ્વતંત્રતા આંદોલન પર ચાર અધ્યાય, અને દક્ષિણના રાજવંશો – ચૌલ, પાંડ્ય, પલ્લવ અને ચેર પર ફક્ત એક અધ્યાય હતો. તેમણે દરેક યુગની ટાઇમલાઇનની તુલના પણ કરી.

આર. માધવનએ દાવો કર્યો કે, “બ્રિટિશ અને મુઘલોએ લગભગ 800 વર્ષ સુધી ભારત પર શાસન કર્યું, જ્યારે ચૌલ સામ્રાજ્ય 2400 વર્ષ જૂનું છે.” ચૌલોએ 7મી સદીથી 13મી સદી સુધી, લગભગ 500 વર્ષ શાસન કર્યું. બ્રિટિશોએ લગભગ 200 વર્ષ અને મુઘલોએ લગભગ 300 વર્ષ ભારત પર શાસન કર્યું. તેમણે કહ્યું હતું કે ભલે તમિળ વિશ્વની સૌથી જૂની ભાષા છે, પણ કોઈ તેને ઓળખતું નથી. તેમણે પ્રશ્ન કર્યો હતો કે સિલેબસ કોણ નક્કી કરે છે? આપણા સંસ્કૃતિમાં રહેલા વૈજ્ઞાનિક જ્ઞાનની આજે મજાક ઉડાવવામાં આવે છે.”

તેમણે સવાલ કર્યો હતો કે આંગકોરવાટ મંદિરના નિર્માણનો ઉલ્લેખ શાળાના પાઠ્યક્રમમાં ક્યાં છે? જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને હિંદુ ધર્મ ચીન સુધી પહોંચ્યા હતા. કોરિયાના લોકો અડધું તમિળ બોલે છે કારણ કે અમારી ભાષા ત્યાં સુધી પહોચી હતી.