અમદાવાદ: શિક્ષણમાં શ્રેષ્ઠતાનો પર્યાય અને કેલોરેક્સ ગ્રૂપના એમડી તથા સીઈઓ ડો. મંજુલા પૂજા શ્રોફે દુબઈમાં આયોજિત યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP28)ના સેશનમાં વક્તવ્ય આપ્યું હતું. તેમણે શુક્રવારે UAEમાં ગ્રીનિંગ એજ્યુકેશન હબ ખાતે “ગ્રીન સ્કૂલ ફોર એવરી ચાઈલ્ડ: પ્રિપેરીંગ પ્યુપીલ્સ ફોર ધ પ્લાનેટ” વિષય પર આયોજિત સેશનમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે યુવા પેઢીમાં પર્યાવરણીય સભાનતા અને ટકાઉ આદતો કેળવવામાં શિક્ષણની મહત્ત્વની ભૂમિકા અંગે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો. સંબોધનમાં ડૉ. શ્રોફે ભૂતકાળની બેદરકારીને કારણે આપણો ગ્રહ પર્યાવરણીય પડકારોનો સામનો કરી રહ્યો છે, જેના વિશે આજના યુવાનોમાં વધતી જતી જાગૃતિ પર ભાર મૂક્યો હતો. તેમણે ટૂંકા ગાળાના લાભો પર લાંબા ગાળાના લાભો તરફ બદલાતી માનસિકતા સાથે ટકાઉપણામાં યોગદાન આપતાં સાહસો અને સ્ટાર્ટઅપ્સની તાતી જરૂરિયાત દર્શાવી હતી.
શિક્ષણમાં નવા માપદંડો સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, કેલોરેક્સ ગ્રુપે તેના મૂળમાં સસ્ટેનેબિલિટીનો સ્વીકાર કર્યો છે. ડૉ. શ્રોફે અભ્યાસક્રમમાં સસ્ટેનેબિલિટીને સમાવિષ્ટ કરી જટિલ વિચારસરણીને પ્રોત્સાહન આપતાં, સમસ્યાનો ઉકેલ લાવતી કુશળતા અને સર્વગ્રાહી શિક્ષણ અનુભવના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ડૉ. શ્રોફે જણાવ્યું કે, જેમ જેમ નવી પેઢી વિકસી રહી છે, તેમ અગાઉની પેઢીઓ દ્વારા કરવામાં આવેલી ભૂલો પ્રત્યેની તેમની સભાનતામાં વધારો થઈ રહ્યો છે, જેની આપણો ગ્રહ મોંઘી કિંમત ચૂકવી રહ્યો છે. આપણે તેમને સસ્ટેનેબિલિટીને પ્રાધાન્ય આપવા, ટકાઉપણાંને પ્રોત્સાહન અને તમામ માટે વધુ ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્ય બનાવવા માટે માર્ગદર્શન આપવું જોઈએ. વિદ્યાર્થીઓને માત્ર શીખનારા તરીકે નહીં પરંતુ ટકાઉપણુંના સક્રિય હિમાયતી તરીકે, વર્ગખંડની બહાર વિસ્તરેલા મૂલ્યો સ્થાપિત કરવા અને ટકાઉ ભવિષ્યમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે જ્ઞાન અને જુસ્સાથી સજ્જ કરવાની જરૂર છે.
કેલોરેક્સ ગ્રૂપે તેની ગ્લોબલ સસ્ટેનેબિલિટી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતાં તેના K-12 અભ્યાસક્રમમાં તમામ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ને એકીકૃત કર્યા છે. આ ઈનોવેટિવ અભિગમ એ સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થીઓ માત્ર થીયરી નોલેજ જ નહીં પણ વિશ્વના વાસ્તવિક પડકારોને સંબોધતી પહેલોમાં સક્રિયપણે ભાગ લે છે.
ડો. શ્રોફે પર્યાવરણના જતન માટે કેલોરેક્સ ગ્રૂપ ઓફ સ્કૂલ્સમાં અમલમાં મૂકાયેલી વિવિધ ટકાઉ પદ્ધતિઓ વિશે પણ વાત કરી હતી. આ પહેલમાં મહેમાનોને છોડવાના રોપાઓ સાથે આવકારવા, રીડ્યુસ, રીયુઝ અને રિસાયકલ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, વૃક્ષારોપણ અભિયાન, ઉર્જા સપ્તાહ સંરક્ષણ ઉજવણી, પર્યાવરણીય રિસર્ચ આધારિત પ્રોજેક્ટ્સમાં ભાગીદારી, વેસ્ટમાંથી બેસ્ટ, વેસ્ટ મેનેજમેન્ટ માટે જાગૃત્તિ, પેપર રિસાયક્લિંગ, ગ્રીન પ્રેક્ટિસ અને પર્યાવરણ સહિત વિવિધ ગતિવિધિઓ સમાવિષ્ટ છે. શ્રોફે વધુમાં જણાવ્યું હતું કે, “તેની શરૂઆતથી જ, કેલોરેક્સ ગ્રૂપ શિક્ષણ દ્વારા ટકાઉ અને લાંબા ગાળાની અસરોને પ્રોત્સાહિત કરવાની તેની પ્રતિબદ્ધતામાં અડગ છે. આ જૂથ શિક્ષણની પરિવર્તનશીલ શક્તિને વ્યક્તિઓ અને સમુદાયોમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રેરણા આપે છે. અને અમે ટકાઉ પ્રક્રિયાઓ જારી રાખી તેમની સાથે સક્રિયપણે જોડાઈએ છીએ.”
સેશન પૂર્ણ થયા બાદ ડૉ. શ્રોફના પુસ્તક “બેબી સ્ટેપ્સ ટુ બિગ ડ્રીમ્સ – એસેન્શિયલ કન્વર્સેશન્સ ફોર મોડર્ન પેરેન્ટ્સ”નું લોકાર્પણ કર્યુ હતું. આ પુસ્તક તેમની બાળકો આપણા અસ્તિત્વનો મૂળ છે, અને અમર્યાદિત આનંદનો સ્ત્રોત હોવાની માન્યતાને આધારિત છે. કારણકે, આપણે સૌ આપણા જીવનના તમામ પાસાઓમાં શ્રેષ્ઠ બનવા માંગીએ છીએ.