નવી દિલ્હીઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે 43 દેશો પર વ્યાપકપણે મુસાફરી પ્રતિબંધ(Travel Ban) મૂકવાની યોજના અંગે વિચારી રહ્યા છે. આ પ્રસ્તાવિત નીતિ ખાસ કરીને ભારતના પાડોશી દેશો જેમ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મ્યાનમારને અસર કરી શકે છે.
ટ્રમ્પની આ નીતિ 20 જાન્યુઆરીએ દ્વારા જારી કરાયેલા એક એક્ઝિક્યુટિવ ઓર્ડરનો એક ભાગ છે, જેમાં વિદેશી નાગરિકો માટે કડક સુરક્ષા તપાસ ફરજિયાત કરવામાં આવી હતી. આ આદેશમાં ઘણા કેબિનેટ અધિકારીઓને 21 માર્ચ સુધીમાં એવા દેશોની યાદી સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો જ્યાં અપર્યાપ્ત તપાસ અને સ્ક્રિનિંગ પ્રક્રિયાઓને કારણે મુસાફરી પર સંપૂર્ણ અથવા આંશિક પ્રતિબંધ મૂકવો જોઈએ.
અહેવાલ અનુસાર અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા માટે ટ્રમ્પ દ્વારા આ પગલું ભરવામાં આવી શકે છે. જોકે હજુ સુધી 43 દેશોની યાદીને ફાઈનલ ટચ નથી અપાયો અને તેમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે. આ યાદીને હજુ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની સહમતિની સાથે વહીવટી મંજૂરીની જરૂર પડશે.
🚨Update: Draft 3-tier Trump travel BAN to hit 43 countries! — NYT
NO ENTRY for 11 ‘red’ countries!
Visas for Russians, Belarusians and Pakistanis ‘sharply restricted!’
Many African nations on ‘yellow’ list! pic.twitter.com/pfap4YFbxV
— US Homeland Security News (@defense_civil25) March 15, 2025
આ પ્રસ્તાવિત પ્રતિબંધની સૌથી મોટી અસર ભારતના પડોશી દેશો ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનને સંપૂર્ણ મુસાફરી પ્રતિબંધની યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે, જ્યારે પાકિસ્તાનને પણ આ યાદીમાં સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે. આનાથી આવા દેશોના નાગરિકો માટે અમેરિકામાં પ્રવેશ કરવો મુશ્કેલ બની શકે છે. તેનાથી અફઘાનિસ્તાનના શરણાર્થીઓ અને સ્પેશિયલ ઇમિગ્રન્ટ વિઝા (SIV) ધારકો પર મોટી અસર પડી શકે છે જે તાલિબાન સત્તામાં આવ્યા બાદ અમેરિકા પહોંચ્યા હતા. જોકે એવી પણ ચર્ચા છે કે અમેરિકાનો વિદેશ મંત્રાલય SIVધારકોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.
