પંજાબી સિંગર દિલજીત દોસાંજે 27 નવેમ્બરે મુંબઈમાં પોતાના ‘ઓરા ટૂર’ કોન્સર્ટ દરમિયાન શાનદાર અંદાજ અને એનર્જીથી દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં. આ કોન્સર્ટમાં સાન્યા મલ્હોત્રા, કરિશ્મા કપૂર અને રાશા થડાની સહિત અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. જોકે, સાંજની સૌથી ખાસ પળ ત્યારે જોવા મળી, જ્યારે દિલજીતે અભિનેત્રી સાન્યા મલ્હોત્રાને સ્ટેજ પર બોલાવી અને તેમની સાથે ડાન્સ કર્યો હતો. બંનેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ દરમિયાન દિલજીતે પોતાના કોન્સર્ટને મળેલી બોમ્બની ધમકીઓ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે સુરક્ષાને લગતી ધમકીઓ છતાં તેઓ પ્રેમથી જ જવાબ આપતા રહેશે.
દિલજીત સાથે સ્ટેજ પર ઝૂમી સાન્યા મલ્હોત્રા
દિલજીતના મુંબઈ કોન્સર્ટનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ સાન્યા મલ્હોત્રાને સ્ટેજ પર બોલાવે છે અને પોતાનું ગીત ‘ચાર્મર’ તેમને સમર્પિત કરે છે. આ દરમિયાન દિલજીત ઘૂંટણિયે બેસીને ગીત ગાય છે અને સાન્યાનો હાથ પકડે છે. ત્યાર બાદ બંને સાથે ડાન્સ કરે છે. દિલજીત સાન્યાને એક ગિફ્ટ હેમ્પર પણ આપે છે. જ્યારે સાન્યા દિલજીતનાં વખાણ કરે છે, ત્યારે તેઓ શરમાઈ જાય છે અને મજાકિયા અંદાજમાં કહે છે, ‘હવે હું શરમાઈ જઈશ.’
દિલજીત અને સાન્યાનું હિટ ગીત ‘ચાર્મર’
સાન્યા મલ્હોત્રા અને દિલજીત દોસાંજે ‘ચાર્મર’ ગીતના મ્યુઝિક વીડિયોમાં સાથે કામ કર્યું હતું. આ ગીત રિલીઝ થતાં જ લોકપ્રિય બન્યું હતું અને તેમાં સાન્યાના ડાન્સ મૂવ્સને પણ ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.
કોન્સર્ટ દરમિયાન દિલજીતે ગીતની સફળતાનો શ્રેય સાન્યાને આપતાં કહ્યું હતું કે,’તેમણે જ આ ગીતને હિટ બનાવ્યું છે. તેમણે આ ગીત પર રીલ્સ બનાવી અને તેના કારણે જ આ ગીત લોકપ્રિય થયું.’કોન્સર્ટમાં બંનેને સાથે ડાન્સ કરતા જોઈને ચાહકો પણ ખુશ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર એક ચાહકે લખ્યું કે,’આ કેટલી શાનદાર પળ હતી!’ તો અન્ય એક ચાહકે બંનેની કેમેસ્ટ્રી, એનર્જી અને સ્મિતનાં વખાણ કર્યાં હતાં.
View this post on Instagram
કોન્સર્ટમાં કરિશ્મા કપૂર સહિત અનેક સેલિબ્રિટીઝ હાજર
દિલજીતના કોન્સર્ટમાં કરિશ્મા કપૂર પણ તેમની પરફોર્મન્સનો આનંદ માણતી જોવા મળી હતી. કરિશ્મા દિલજીતનાં ગીતો પર ઝૂમતી અને પોતાના ફોનમાં કોન્સર્ટની ખાસ પળોને કેદ કરતી જોવા મળી હતી. દિલજીતે જ્યારે સ્ટેજ પર ‘સાંસો કી માલા’ ગીત ગાયું ત્યારે કરિશ્મા પણ તેમની સાથે ગાતી જોવા મળી હતી.
આ ઉપરાંત કોન્સર્ટમાં અવનીત કૌર, રાશા થડાની, સુઝેન ખાન, અર્સલાન ગોની અને જાસ્મિન ભસીન સહિતની હસ્તીઓ પણ હાજર રહી હતી.
દિલજીતના આગામી કોન્સર્ટ ક્યારે અને ક્યાં?
મુંબઈ કોન્સર્ટ બાદ દિલજીત દોસાંજના ‘ઓરા ઇન્ડિયા ટૂર 2026’ હેઠળ હજુ ચાર કોન્સર્ટ યોજાવાના છે. 29 નવેમ્બરે તેઓ બેંગલુરુમાં પરફોર્મ કરશે. ત્યાર બાદ 5 ડિસેમ્બરે લખનઉ, 12 ડિસેમ્બરે ચંદીગઢના મુલ્લાંપુર સ્થિત મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને અંતે 19 ડિસેમ્બરે કોલકાતાના વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણમાં તેમનો કોન્સર્ટ યોજાશે. આ સાથે તેમનો ઇન્ડિયા ટૂર પૂર્ણ થશે.




