પપ્પુ યાદવે તેજસ્વી યાદવ વિરુદ્ધ ખોલ્યો મોરચો?

પટનાઃ બિહારની પૂર્ણિયા લોકસભા બેઠક પરથી અપક્ષ સાંસદ પપ્પુ યાદવે બિહાર બંધ દરમિયાન પોતાના અપમાન પછી આપેલું નિવેદન હવે RJDના નેતા તથા વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ માટે સીધી અસર પાડી શકે છે. પપ્પુ યાદવ હાલ કોંગ્રેસ પાર્ટીના સભ્ય છે. જોકે તેમણે પાર્ટીની ઇચ્છા વિરુદ્ધ પૂર્ણિયા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. તાજેતરમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તરત જ કોંગ્રેસે CMપદ માટે દલિત અને મુસ્લિમ નેતાઓનાં નામ આગળ ધપાવ્યાં હતાં.

હકીકતમાં, બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી, જેમાં પપ્પુ યાદવને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન પપ્પુ યાદવે જણાવ્યું હતું કે તેઓ બિહાર ચૂંટણીમાં પાર્ટી દ્વારા આપવામાં આવનારી કોઈ પણ ભૂમિકા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને આપવામાં આવેલી ભૂમિકા તેઓ નિષ્ઠાપૂર્વક નિભાવશે.

CMપદ માટે દલિત અને મુસ્લિમ નેતાઓનાં નામ આપ્યાં

મિડિયા સાથેની વાતચીતમાં લોકસભા સાંસદ પપ્પુ યાદવે કહ્યું હતું કે બિહારમાં કોંગ્રેસ પાસે CM પદ માટે કોઈ અભાવ નથી. તેમણે CM પદ માટે કોંગ્રેસના નેતાઓનાં નામ પણ જાહેર કર્યાં. તેમાં બિહાર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજેશ રામ અને સાંસદ તારિક અનવરનાં નામો સામેલ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પપ્પુ યાદવને બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના મુખ્ય પ્રચારકોમાં સામેલ કરી શકે છે.

પપ્પુ યાદવ અને કનૈયાકુમારનું અપમાન

બિહાર ચૂંટણીની વ્યૂહરચના પર વિચાર કરવા માટે કોંગ્રેસે પ્રદેશ યુનિટની બેઠક બોલાવી હતી. જેમાં પ્રદેશ પ્રભારી કૃષ્ણા અલ્લાવેરુ, પ્રદેશાધ્યક્ષ રાજેશ કુમાર તથા અન્ય દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ખાસ કરીને એ વાત નોંધપાત્ર છે કે તાજેતરમાં ચૂંટણી પંચના મતદાતા યાદી રિવિઝનના પગલાં વિરુદ્ધ જ્યારે વિપક્ષે બિહાર બંધનું એલાન કર્યું હતું, ત્યારે પપ્પુ યાદવ અને કનૈયાકુમારના અપમાનની ઘટનાઓ સામે આવી હતી.