યમુનાની સફાઈ અંગે PM મોદીની હાઈ લેવલ બેઠક

યમુનાની સફાઈ અંગે ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના અને મુખ્ય સચિવ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રીએ લોકોને નદી સાથે જોડવા માટે ‘જન ભાગીદારી આંદોલન’ શરૂ કરવાની સલાહ આપી. પીએમ મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકમાં યમુનાની સફાઈ માટે ટૂંકા ગાળા (3 મહિના), મધ્યમ ગાળા (3 મહિનાથી 1.5 વર્ષ) અને લાંબા ગાળા (1.5 થી 3 વર્ષ) યોજનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં ડ્રેઇન મેનેજમેન્ટ, કચરા વ્યવસ્થાપન, ગટર અને ડેરી કચરા વ્યવસ્થાપન, ઔદ્યોગિક કચરો, નદીના પ્રવાહમાં સુધારો, પૂર વિસ્તાર સંરક્ષણ જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દિલ્હીના જળ વ્યવસ્થાપન માટે શહેરી નદી વ્યવસ્થાપન યોજના તૈયાર કરવામાં આવશે. આ યોજના શહેરના માસ્ટર પ્લાન સાથે જોડવામાં આવશે જેથી શહેરના વિકાસ અને પાણી વ્યવસ્થાપન વચ્ચે સંકલન રહે.

વડા પ્રધાને કહ્યું કે જનતાને સામેલ કરવા માટે ‘જન ભાગીદારી આંદોલન’ શરૂ કરવું જોઈએ અને આ અંતર્ગત લોકોએ નદીના પુનર્જીવન અને જાહેર કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે છઠ પૂજા દરમિયાન દિલ્હીવાસીઓને વધુ સારી સુવિધાઓ મળવી જોઈએ.