ગુજરાતી સમાજ દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી

દિલ્હી: ગુજરાતી સમાજની નાટ્યોત્સવ સમિતિ દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી કરવામાં આવી. રવિવારની સાંજે આ ઉજવણી શાહ ઓડિટરિયમના નરસિંહ મહેતા હોલ ખાતે કરવામાં આવી. અતિથિ વિશેષ તરીકે લેખક અને ફિલ્મકાર ડો. રાજીવ શ્રીવાસ્તવે રંગભૂમિ દિવસની માહિતી આપી હતી. પીઢ કળા-પ્રોત્સાહક અને સંસ્થાનાં પ્રમુખ કુસમબહેન શાહે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.નવસારીના પારસી વિદ્વાન કેરસી દેબુએ પારસી રંગભૂમિ વિષે ખ્યાલ આપ્યો હતો. વિખ્યાત નૃત્યાંગના મીનુ ઠાકુરે નૃત્યકલાની તલસ્પર્શી માહિતી આપતાં વાક્અભિનય અને અંગઅભિનય-નૃત્ય વિષે લાક્ષણિક છણાવટ કરી હતી. રેડિયો સિલોનના શ્રોતા સંગઠક ચંદર નવાની, આકાશવાણી સંગીતકાર પ્રભાત અને અભિનેતા કેપ્ટન ગોપાલ સિંહે પ્રેરક પ્રવચન કર્યું હતું.મરાઠી કલાકાર અમોઘ સાહજેએ પ્રાચીન આદિવાસી વાજિંત્ર ગાંગુલનું વાદન પ્રસ્તુત કર્યું હતું. મૃદંગ પટેલ, તૃષા જાની રાવલ, અનિલ ચાવલા અને અન્ય કલાકારોએ ગીત-સંગીત પ્રસ્તુત કરી ઉજવણી અર્થસભર બનાવી હતી. ગુજરાતી સમાજના પ્રમુખ સચિન શાહ અને માનદ મુખ્ય મંત્રી હિતેશ અંબાણીએ આ કાર્યક્રમને વિશિષ્ઠ ગણાવતાં પોતાના પ્રોત્સાહક વિચાર રજૂ કર્યા હતા.આ સમારોહમાં ગુજરાતી સમાજ દ્વારા નિર્મિત ફિલ્મ વિશે વિગત અપાઈ હતી અને નિર્માણાધીન આગામી ગુજરાતી નાટક ‘આસોપાલવ’ (લેખક-દિગ્દર્શક ભાગ્યેન્દ્ર પટેલ)ની જાહેરાત કરવામાં આવી હતી. નાટકના કલાકારો ઈશાની ખુરાના, અમિત શાહ, જાગૃતિ જાદવ, કાંતિલાલ વગેરે હાજર હતા.નવોદિત નાટ્ય અભિનેત્રી અવનિ જેઠવાએ મંચ-સંચાલન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંયોજન નાટ્યોત્સવ સમિતિના અધ્યક્ષ ભાગ્યેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું. જેને સફળ બનાવવામાં સમિતિના સંયોજક રાજેશ પટેલ, ભારત ભારતીના સંયોજક વિજય પંચાલ અને પરેશ કંસારાએ જહેમત કરી હતી.વર્લ્ડ થિયેટરની ઉજવણીમાં વિવિધ ભાષાઓ અને વિવિધ કલાક્ષેત્રના મહાનુભાવો એકત્ર થયા હતા એ રીતે ગુજરાતી સમાજનો આ કાર્યક્રમ એક રાષ્ટ્રીય અવસર બની ગયો.