નવી દિલ્હીઃ દિલ્હીમાં 10-15 વર્ષ જૂની કાર ચલાવનારા માટે ખુશખબરી છે. CM રેખા ગુપ્તાની સરકારે જૂની કારવાળાને રાહત આપતાં તેમના પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. હવે પેટ્રોલ પંપ પર જૂની કારને પણ ઇંધણ મળશે. જૂની કાર હવે પેટ્રોલ પંપ પર જપ્ત કરવામાં નહીં આવે. હવે જૂના વાહનની વયના આધાર પર પ્રતિબંધ લાગશે નહીં.
જૂની કાર અંગેના નિર્ણયમાં દિલ્હી સરકારે યુ-ટર્ન લીધો છે. હવે દિલ્હીમાં જૂની કાર પણ ફરી દોડશે, કારણ કે રેખા ગુપ્તાની સરકારે પહેલી જુલાઈથી લાગુ થયેલા નિર્ણયો પાછા ખેંચી લીધા છે. એટલે કે હવે 10 વર્ષ જૂની ડીઝલ કાર અને 15 વર્ષ જૂની પેટ્રોલ કારને પણ પેટ્રોલ પંપ પર ઇંધણ મળશે. એ સાથે જ દિલ્હી સરકારે નિર્ણય લીધો છે કે પેટ્રોલ પંપ પર જૂની ગાડીઓને જપ્ત નહીં કરવામાં આવે.
હવે કયા આધાર પર થશે કાર્યવાહી?
CM રેખા ગુપ્તાની સરકાર દ્વારા જૂની કાર પર લાગેલો પ્રતિબંધ પાછો ખેંચ્યા બાદ હવે પેટ્રોલ પંપ પર જૂની કાર પર પોલ્યુશનને આધારે કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે 10 વર્ષ જૂની ડીઝલ કાર, 15 વર્ષ જૂની પેટ્રોલ કાર અને 15 વર્ષ જૂની સ્કૂટર કે મોટરસાયકલને પણ પેટ્રોલ પંપ પર ઇંધણ મળશે.
શુ હતો પહેલાંનો સરકારનો નિર્ણય?
દિલ્હીમાં પ્રદૂષણ નિયંત્રણ માટે પહેલી જુલાઈથી નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં 10 વર્ષ જૂની ડીઝલ કાર અને 15 વર્ષ જૂની પેટ્રોલ કારને પેટ્રોલ પંપ પર ઇંધણ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ માટે પેટ્રોલ પંપ પર ANPR કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. જોકે માત્ર બે દિવસમાં જ દિલ્હી સરકારને આ નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે.
