કોર્ટે IAS અધિકારીને પાંચ વર્ષની જેલની સજા, દંડ ફટકાર્યો

અમદાવાદઃ રાજ્યની એક સેશન કોર્ટે ભૂતપૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને ભ્રષ્ટાચારના કેસમાં પાંચ વર્ષની જેલની સજા અને રૂ. 75,000નો દંડ ફટકાર્યો છે. તો કચ્છના જિલ્લાધિકારી હતા. જમીન સંબંધિત કેસમાં કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા. હવે જેલની સજા થઇ છે.

ભૂતપૂર્વ કચ્છ કલેકટર પ્રદીપ શર્મા વર્ષ 2003થી 2006 દરમિયાન કચ્છના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. પોતાની ફરજ દરમિયાન પ્રદીપ શર્માએ વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ શો પાઇપ્સ કંપનીને ગેરકાયદે રીતે નીચા ભાવે જમીન ફાળવણી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. જેથી તેઓ સત્તાના દુરુપયોગ મામલે દોષિત જાહેર થયા છે પરંતુ અન્ય બે કેસમાં પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. પ્રદીપ શર્મા સામે ત્રણ કેસ ચાલી રહ્યા હતા. જેમાં બે કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને એક કેસમાં આજે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)માં નોંધાયેલા કેસમાં પ્રદીપ શર્માને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

IAS અધિકારીને ACBની કલમ 13 (2) મુજબ પાંચ વર્ષની સજા અને રૂ. 50,000નો દંડ ઉપરાંત ACBની કલમ 11 હેઠળ ત્રણ વર્ષની સજા અને રૂ. 25,000નો દંડ સ્પેશિયલ કોર્ટે કહ્યું હતું કે જો આરોપી દંડ નહીં ભરે તો અનુક્રમે વધુ ત્રણ અને એક મહિનાની સજા થશે.

કચ્છના ભૂતપૂર્વ કલેકટર અને સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા સામે ભૂજ CID ક્રાઈમ બોર્ડર ઝોન પોલીસ મથકે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ભુજ શહેરના મામલતદાર કલ્પનાબહેન ગોદિયાએ ભૂતપૂર્વ કલેકટર તાત્કાલિક નિવાસી નાયબ કલેકટર અને ભૂજ સંજય છોટાલાલ શાહ નામની વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે જમીન કૌભાંડમાં કોર્ટે પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા હતા.