ખેડૂતોના આંદોલન વચ્ચે MSPને લઈને કોંગ્રેસની મોટી જાહેરાત

પંજાબ-હરિયાણાના ખેડૂતો MSPની કાયદેસર ગેરંટી સહિતની અનેક માંગણીઓ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. હજારો ખેડૂતો શંભુ બોર્ડર પર પહોંચી ગયા છે. ખેડૂતોને આગળ વધતા રોકવા માટે પોલીસે બેરિકેડના અનેક સ્તરો લગાવી દીધા છે. ખેડૂતો બેરિકેડ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોને પાછળ ધકેલવા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. ખેડૂતોના આંદોલન વચ્ચે કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે.

 

કોંગ્રેસે કહ્યું છે કે સ્વામીનાથન કમિટીના રિપોર્ટ અનુસાર અમે MSP કાયદો બનાવીને ખેડૂતોને વાજબી ભાવની ખાતરી આપીશું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, MSP માટે કાનૂની ગેરંટી મળવાથી 15 કરોડ ખેડૂત પરિવારોને ફાયદો થશે. ખેડૂત ભાઈઓ, આજે ઐતિહાસિક દિવસ છે. ન્યાયના માર્ગ પર કોંગ્રેસની આ પ્રથમ ગેરંટી છે.

જેને ભારત રત્ન આપવામાં આવ્યો તેમની વાત સરકાર સ્વીકારી રહી નથી

મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ભાજપ સરકારે સ્વામીનાથનજીને ભારત રત્ન આપ્યો, પરંતુ તેમણે જે હેતુ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું તેને લાગુ કરવા સરકાર તૈયાર નથી. તેનો અર્થ શું છે? સ્વામીનાથન જીના રિપોર્ટમાં જે પણ આપવામાં આવ્યું છે તે અમે ખેડૂતોને આપીશું. બીજી તરફ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ટ્વિટ કરીને કહ્યું કે, કોંગ્રેસે ઐતિહાસિક પ્રતિજ્ઞા લીધી છે. સ્વામીનાથન કમિટીના રિપોર્ટ અનુસાર, અમે MSP કાયદો બનાવીને ખેડૂતોને વાજબી ભાવની ખાતરી આપીશું. તેનાથી 15 કરોડ ખેડૂત પરિવારોને ફાયદો થશે.

MSP માટે કાનૂની ગેરંટી પર અડગ ખેડૂતો

ખેડૂતોનું કહેવું છે કે સરકારે MSP માટે કાયદો બનાવવો જોઈએ જેથી તેની ગેરંટી મળી શકે. સોમવારે, ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરે તે પહેલાં, કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડા તેમજ પીયૂષ ગોયલે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ સાથે કેટલાક કલાકો સુધી બેઠક કરી, પરંતુ કોઈ સમજૂતી થઈ શકી નહીં. ખેડૂતો એમએસપી ગેરંટી અને લોન માફી પર અડગ છે. મંત્રણા અનિર્ણિત રહ્યા બાદ આજે ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી છે.