કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારો જાહેર કર્યા

કોંગ્રેસે ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં કોંગ્રેસે પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અમરેલી, જામનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોર અને સુરત બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ પહેલા કોંગ્રેસે 12મી તારીખે ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાંથી અમદાવાદ પૂર્વ બેઠક ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.

આ ઉમેદવારોને જાહેર કરાયા

કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોમાં પાટણથી ચંદનજી ઠાકોર, સાબરકાંઠાથી ડો. તુષાર ચૌધરી, ગાંધીનગરથી સોનલ પટેલ, જામનગરથી જે પી મારવીયા, અમરેલીથી જેનીબેન ઠુમ્મર, આણંદથી અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ, દાહોદથી પ્રભાબેન તાવિયાડ, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, સુરતથી નિલેષ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે.

અમિત શાહ સામે કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટીકિટ આપી

ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટીકિટ આપી છે. સોનલ પટેલ વ્યવસાયે આર્કિટેક્ટ છે અને પૂર્વ મહિલા કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે અને એઆઈસીસીના મંત્રી છે. બીજી બાજુ સુખરામ રાઠવા જેઓ વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા રહી ચૂક્યાં છે અને અમિત ચાવડા જેઓ આંકલાવના ધારાસભ્ય છે તેમને ભાજપ સામે મેદાનમાં ઉતાર્યાં છે.

પાર્ટીએ મને તક આપી એ બદલ આભાર- જે. પી. મારવિયા

જામનગર લોકસભા બેઠક પર આ વખતે પાટીદાર ઉમેદવારને તક આપી છે. જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા જે.પી. મારવિયાએ પોતાને લોકસભા ચૂંટણી લડવાની તક આપવા બદલ પાર્ટી હાઈકમાન્ડનો આભાર માન્યો હતો, સાથે કહ્યું હતું કે મને પાટીદાર સમાજ ઉપરાંત અન્ય સમાજનો પણ સહકાર મળશે. જામનગર લોકસભા બેઠક પર પોતાની જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.