ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીના વિશાળ વિજ્ઞાન ભવનમાં બે દિવસીય ‘હેમફેસ્ટ ઈન્ડિયા 2023’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સમાપન થયું છે. સમાપન પ્રસંગે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગોચિત સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે કુદરતી આફતના સમયમાં સલામતીના પગલાં લેવામાં તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે હેમ રેડિયો ઉપયોગી થાય છે.
મહત્વનું છે કે 25 નવેમ્બરે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે આ હેમફેસ્ટ ઈન્ડિયા 2023નો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં સમગ્ર દેશમાંથી 800થી વધુ હેમ રેડિયો ઓપરેટર્સ અને હેમફેસ્ટ ઇન્ડિયાના વિવિધ કમિટીના સભ્યો સહિત રેડિયો સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓના સભ્યો સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં 10થી વધુ ટેક્નિકલ વર્કશોપ અને 10થી વધુ સેશન્સ યોજાયા હતા તેમજ પ્રદર્શન માટે 20થી વધુ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા.જે પૈકી શ્રેષ્ઠ પ્રદર્શનો રજૂ કરનારા સહભાગીઓને અમદાવાદ શહેરના પોલીસ કમિશનરના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ‘હેમફેસ્ટ ઈન્ડિયા’ હેમ રેડિયો ઓપરેટરનું સૌથી મોટું વાર્ષિક ‘ગેટ ટુ ગેધર’ છે, દર વર્ષે દેશમાં જુદા જુદા શહેરોમાં તેનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ આયોજન ગુજરાત સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનમાં કરવામા આવ્યું હતું. જે બદલ હેમફેસ્ટના હોદ્દેદારોએ ગુજરાત સાયન્સ સિટી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.