ગુજરાતમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. તેમજ મંત્રી મંડળ પણ બની ગયુ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે. તથા નવી સરકારનો પ્રથમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુરુવારે 22મી ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે.આ સંદર્ભમાં મુખ્યમંત્રી ગુરુવારે તા.22મી ડિસેમ્બરે બપોરે 3 કલાકે મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષ, સ્વર્ણિમ સંકુલ-2 ખાતે યોજાનારા રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાગરિકો-પ્રજાજનોની રજૂઆતો સાંભળશે.
વડાપ્રધાન મોદીએ શરૂઆત કરી હતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યશાસનનું સેવા દાયિત્વ સતત બીજીવાર સંભાળ્યા બાદ આગામી ગુરુવારે, 22મી ડિસેમ્બર 2022ના રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનો-નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા ‘સ્વાગત’ – સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સફળતાપૂર્વક આગળ ધપાવી છે.