અમદાવાદ : રાજ્યના ખૂણે-ખૂણા સુધી ગુણવત્તાયુક્ત અને સંવેદનાસભર સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાના દ્રઢ સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૫૦૦ કરોડથી પણ વધુના આરોગ્યલક્ષી વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રિવેન્શન, હેલ્થ પ્રમોશન અને એફોર્ડેબલ ટ્રીટમેન્ટની ત્રિવેણી દ્વારા ‘હોલિસ્ટિક હેલ્થ કેર’નો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત યોજના હેઠળ રૂ. ૧૦ લાખ સુધીની મફત સારવાર આપી ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. રાજ્યમાં ૨.૮૭ કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ એનાયત કરાયા છે. વર્ષ ૨૦૦૧-૦૨માં માત્ર ૮ મેડિકલ કોલેજો હતી, જે વધીને ૪૩ થઈ છે અને MBBSની બેઠકો ૧,૩૭૫થી વધીને ૭,૫૨૫ થઈ છે.
મુખ્ય પ્રકલ્પો અને ભવિષ્યનું આયોજન:
-
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર: અમદાવાદ મેડિસિટી ખાતે રૂ. ૨૨૩ કરોડના ખર્ચે ૫૮,૮૩૧ ચોરસ મીટર વિસ્તારમાં ૫૨૧ પથારી અને ૧૩ અદ્યતન ઓપરેશન થિયેટર ધરાવતા સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ સંસ્થા સ્ટ્રોક, બ્રેઈન ટ્યુમર અને કરોડરજ્જુની જટિલ બીમારીઓ માટે વિશ્વસ્તરીય સારવાર પૂરી પાડશે.

-
નવી મેડિસિટીનું આયોજન: નાગરિકોને ‘હેલ્થ કેર અંડર વન અમ્બ્રેલા’ સેવાઓ મળી રહે તે માટે અમદાવાદની જેમ હવે વસઈ અને કામરેજ ખાતે અંદાજે રૂ. ૩૦૦૦ કરોડના ખર્ચે નવી મેડિસિટી વિકસાવવાનું આયોજન છે.
-
રાજ્યવ્યાપી આરોગ્ય સુવિધાઓ: રૂ. ૧૮૫ કરોડના ખર્ચે નવનિર્મિત ૨૫૫ આરોગ્ય સુવિધાઓનું ઈ-લોકાર્પણ અને રૂ. ૩૪૭ કરોડના ખર્ચે થનારી ૪૫ નવી આરોગ્ય ક્ષેત્રે વિકાસ કામગીરીઓનું ખાતમુહૂર્ત કરાયું.
આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આગામી સમયમાં સુસજ્જ ‘સ્પાઇન હોસ્પિટલ’નું પણ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ, સાંસદ સભ્યો તથા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






