વિઝનરી ગ્લોબલ લીડર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતમાં યોજાનારી G-20 સમિટના ઉપલક્ષ્યમાં અમદાવાદને આંગણે યોજાનારા અર્બન-20 સમિટના લોગો તથા વેબસાઇટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ તથા વેલકમ સોંગ લોન્ચિંગના અવસરે મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતુ.
સૌના પ્રયાસના મંત્રને લઇને વિકાસ રાહે આગળ વધ્યા – CM
મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતુ કે G-20નું યજમાન પદ વડાપ્રધાનના પ્રયત્નોથી ભારતને મળ્યું છે. G-20 સમિટની વિવિધ 15 જેટલી સમિટ ગુજરાતમાં પણ યોજાવાની છે. વસુધૈવ કુટુંબકમ-એક ધરતી, એક પરિવાર-એક ભવિષ્ય’ના વિષયવસ્તુ સાથેની આ G-20 સમિટથી વડાપ્રધાને વિશ્વ સમુદાયને ભારતીય સંસ્કૃતિ અને સદાચારનો પરિચય કરાવ્યો છે. તેમણે જણાવ્યું કે, શહેરી ક્ષેત્ર હોય કે ગ્રામીણ, આપણે એક પરિવાર ભાવથી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને લઇને વિકાસ રાહે આગળ વધ્યા છીયે.
ગુજરાતમાં અર્બન-20 બેઠકોના આયોજનની રૂપરેખા જણાવી
ગુજરાતના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે સ્વાગત પ્રવચન કરતા ગુજરાતમાં અર્બન-20 બેઠકોના આયોજનની રૂપરેખા જણાવી હતી. તેમણે કહ્યું કે, અર્બન-20 ચેરનું યજમાન બની અમદાવાદ હવે બ્યુનોસ આર્સ, રોમ, મિલાન, જકાર્તા, ટોક્યો, વેસ્ટ જાવા અને રિયાધ જેવા શહેરોની યાદીમાં સામેલ થઇ ચૂક્યું છે. ટાઇમ્સ મેગેઝિને અમદાવાદને ‘મક્કા ઓફ કલ્ચરલ ટુરિઝમ’ કહ્યું છે અને વિશ્વના 50 એક્સ્ટ્રા ઓર્ડીનરી ડેસ્ટીનેશન્સની સુચીમાં સ્થાન આપ્યું છે. આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટ પરમારે G-20ની અધ્યક્ષતા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. તેમજ આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગીતાબહેન અને પદાધિકારીઓ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન તેમજ રાજ્ય સરકારના અને AMC ના અધિકારીઓ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
જુલાઇ-2023માં U-20 મેયર્સ સમિટ પણ યોજાશે
ભારતના G-20 પ્રેસિડન્સી હેઠળ, અમદાવાદમાં U-20 સાયકલનું આયોજન કરાશે. સી-40 (કલાઇમેટ ચેન્જ) અને યુનાઇટેડ સિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ્સ (UCLG), શહેરી મુદ્દાઓ પરના બે આંતરરાષ્ટ્રીય બિન-સરકારી હિમાયત જૂથો સાથે, અમદાવાદમાં 9-10 ફેબ્રુઆરી 2023ના રોજ સિટી શેરપાની શરૂઆતની મીટિંગ, વિષયોની ચર્ચાઓ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે. તથા જુલાઇ-2023માં U-20 મેયર્સ સમિટ પણ યોજાશે.
‘વસુધૈવ કુટુમ્બકમ-વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ની ભારતની G-20 થીમ
G-20 દેશો ઉપરાંત, C40, UCLG સભ્ય શહેરો અને નિરીક્ષક શહેરોના મેયર અને પ્રતિનિધિઓ આ કાર્યક્રમોમાં ભાગ લેશે અને ચર્ચાઓને સમૃદ્ધ બનાવશે. ‘વસુધૈવ કુટુમ્બકમ-વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ની ભારતની G-20 થીમ સાથે સુસંગત અમદાવાદમાં યોજાનારી U-20 શહેર સ્તરની ક્રિયાઓ એકબીજા સાથે જોડાયેલી અને સહિયારા ભવિષ્યને રેખાંકિત કરતા કાયમી હકારાત્મક વૈશ્વિક પરિણામો લાવી શકે છે. આ પ્રસંગે ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રી હરદીપસિંહ પુરીએ વીડિયો સંદેશના માધ્યમથી જણાવ્યું કે, અમદાવાદ ભારતનું આધુનિક, પ્રગતિશીલ એવું આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર સમાન શહેર છે.