મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના બીજા દિવસે બુલેટ ટ્રેનમાં મુસાફરી માણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના બીજા દિવસે બુલેટ ટ્રેનમાં મુસાફરી માણી હતી. મુખ્યમંત્રી ટોકયોથી બુલેટ ટ્રેન દ્વારા ભારત સાથે ઐતિહાસિક જોડાણ ધરાવતા શહેર યોકોહામા ગયા હતા. મુખ્ય સચિવ રાજકુમાર અને પ્રતિનિધિ મંડળે પણ બુલેટ ટ્રેનની સફર કરી હતી. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ પ્રસિદ્ધ શેન્કેઇન ગાર્ડનની મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ-2024ના પ્રમોશન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ જાપાન અને સિંગાપોરના પ્રવાસે છે. CM ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરતાં કહ્યું કે, મુંબઈ-અમદાવાદ બુુલેટ ટ્રેન પ્રોજેક્ટ જાપાનીઝ ટેક્નોલોજી પ્રભાવિત થઈ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. આજે અમે બુલેટ ટ્રેન દ્વારા મુસાફરી કરી ટોક્યોથી યોકોહામા જઈ રહ્યા છીએ.

 

ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાન સ્થિત ગુજરાતી-ભારતીય સમુદાયના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતમાં થયેલા આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસની રૂપરેખા આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. તેમણે ગુજરાત વિવિધ ‘ફ્યુચરિસ્ટિક પોલિસી’ ના અમલ થકી વિકાસને એક નવી દિશા આપવા સજ્જ છે તેમ પણ જણાવ્યું હતું. આ અવસરે સીએમ એ ઉપસ્થિત સૌ કોઈને વાયબ્રન્ટ ગુજરાત 2024માં સહભાગી થવાનું આમંત્રણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય ડેલિગેશન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પ્રમોશન તેમ જ જાપાન સાથેનો સંબંધ સેતુ વધુ મજબૂત કરવા જાપાનના પ્રવાસે છે.