CJPએ પોલીસ કસ્ટડીને ગેરકાયદે ગણાવી, FIR નોંધવાની કરી માગ

નવી દિલ્હીઃ CJPના કાર્યકરો અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને વિમાનની અંદર જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન પહેલાં દિલ્હી પોલીસે કોનોટ પ્લેસમાંથી પણ અનેક લોકોને અટકાયતમાં લીધા છે. CJPએ આજે જંતર-મંતર ચલોનું આહવાન કર્યું છે. બીજી તરફ, દિલ્હી પોલીસે સમગ્ર દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે.

પ્રદર્શનકારીઓને રોકવા માટે દિલ્હી આવતી 250 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 45 મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યાં છે. શુક્રવાર મોડી રાતથી જ રેલવે અને માર્ગે દિલ્હી આવનારા લોકોની અવરજવર પર સંપૂર્ણ નિયંત્રણ લાદવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણાને અડીને આવેલી દિલ્હીની તમામ સડક સરહદો પર પણ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ગુરુગ્રામ, ફરીદાબાદ, પાણીપત, ગાઝિયાબાદ અને નોઇડા તરફથી દિલ્હીમાં પ્રવેશતા તમામ માર્ગો પર પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. જંતર-મંતરના ચાર કિલોમીટરના વિસ્તારમાં શનિવારે રાત્રે 10 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. શાળાઓ અને કોલેજો પણ બંધ કરવામાં આવી છે, જ્યારે પરીક્ષાઓના કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

શુક્રવારે બપોરે બે વાગ્યા પછી પોતાના પ્રારંભિક સ્ટેશનથી ઉપડનારી અને 10 ઓક્ટોબરે સવારે ચાર વાગ્યાથી બપોરે 2 વાગ્યા દરમિયાન નવી દિલ્હી અથવા હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પહોંચનારી 250 એક્સપ્રેસ ટ્રેનો રદ રહેશે. આ ઉપરાંત, દિલ્હીની નજીકનાં શહેરોમાંથી આવતી દૈનિક પેસેન્જર ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.

CJPએ પોલીસ કસ્ટડીને ગેરકાયદે ગણાવી, દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી

CJPએ પોલીસની કસ્ટડીની કાર્યવાહીને ગેરકાયદે ગણાવીને દિલ્હી હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. સંગઠનની કાનૂની શાખાનાં વડાં રત્ના સિંહે આ મામલે અરજી દાખલ કરી છે. અરજીમાં દિલ્હી પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને પોલીસ વિરુદ્ધ FIR નોંધવાની માગ કરવામાં આવી છે.

અત્યારે CJPનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે?

અભિજીત દીપકેએ જણાવ્યું છે કે જ્યાં સુધી તેઓ, સૌરવ દાસ અને આશુતોષ રાંકા પોલીસ કસ્ટડીમાં છે, ત્યાં સુધી મુખ્ય ન્યાયિક પરિષદના સંગઠનાત્મક પ્રભારી અજિંક્ય શિંદે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરશે.