CJPના પ્રમુખ અભિજિત દીપકેને શરતી જામીન

નવી દિલ્હીઃ CJPના સ્થાપક અભિજિત દીપકેને જામીન મળી ગયા છે. દિલ્હીના વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટે દીપકેને શરતો સાથે મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ગઈ કાલે દિલ્હીમાં તિરંગા માર્ચ કાઢવા દરમિયાન દિલ્હી પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. નેહા બોરાને મોડી રાત્રે મુક્ત કરી દેવામાં આવ્યાં હતાં, પરંતુ દીપકેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને SEM કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી અદાલતે તેમની મુક્તિનો આદેશ આપ્યો હતો.

જોકે દીપકેને કેટલીક શરતોનું પાલન કરવું પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર શાંતિ અને વ્યવસ્થા જાળવવા તથા કોઈ પણ પ્રકારની અશાંતિ ન ફેલાવવા માટે તેમને શાંતિ બોન્ડ પર હસ્તાક્ષર કરવાનું કહેવામાં આવ્યું છે. દીપકેને અન્ય કઈ શરતો પર જામીન આપવામાં આવ્યા છે, તેની વિગતવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.

અભિજિત દીપકેએ 16 ઓક્ટોબરે દિલ્હીના કોનોટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્કમાં તિરંગા માર્ચ કાઢવાનું આહ્વાન કર્યું હતું. જોકે તે પહેલાં જ દિલ્હી પોલીસે તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 126 અને 170 હેઠળ શાંતિ ભંગ કરવાની આશંકાને મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલાં 10 ઓક્ટોબરે પણ અભિજિત દીપકેને એરપોર્ટ પર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તે સમયે પણ શાંતિ ભંગ કરવા સંબંધિત એક અલગ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારે તેમની પાસેથી એક વર્ષ સુધી શાંતિ જાળવવાના બાંયધરીપત્ર પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા હતા.

નેહા બોરાને મુક્ત કરવામાં આવ્યાં

આ પહેલાં ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિયેશન (AISA)નાં પ્રમુખ નેહા બોરાને મુક્ત કરી દેવામાં આવ્યાં હતાં. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ અધિનિયમની કલમ 65 હેઠળ કસ્ટડી સંબંધિત ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બોરાને મુક્ત કરવામાં આવ્યાં હતાં. મુક્ત થયા બાદ નેહા બોરાએ દિલ્હી પોલીસ અને કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પોતાની અટકાયતની કાર્યવાહીને ગેરકાયદે ગણાવી હતી.