ચિરંજીવી અને રામ ચરણે હૈદરાબાદમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સિનેમામાં AI અને ડીપફેકના જોખમો પર ચર્ચા કરવામાં આવી હતી.

સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી અને તેમના પુત્ર તથા અભિનેતા રામ ચરણે સોમવારે હૈદરાબાદમાં પોતાના નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું. આ ખાસ મુલાકાત દરમિયાન સિનેમા જગતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેક ટેક્નોલોજીના વધતા ઉપયોગ અને તેનાથી ઊભા થતા જોખમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી પણ હાજર રહ્યા હતા.
ચિરંજીવી અને રામ ચરણે અમિત શાહને આપી ખાસ ભેટ
2 નવેમ્બરના રોજ રામ ચરણે સોશિયલ મીડિયા પર આ મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરો સાથે તેમણે લખ્યું હતું કે,’આજે મારા પિતા શ્રી ચિરંજીવી કોનિડેલા ગારુ સાથે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજીને મળીને સન્માનની લાગણી અનુભવું છું.’
તસવીરોમાં ચિરંજીવી અને રામ ચરણ અમિત શાહનું ઉષ્માભર્યું સ્વાગત કરતા જોવા મળે છે. આ દરમિયાન પિતા-પુત્રની જોડીએ ગૃહમંત્રીને ફૂલોનો ગુલદસ્તો, એક પ્રતિમા અને પરંપરાગત શાલ ભેટ આપીને સન્માનિત કર્યા હતા.
AI અને ડીપફેકના વધતા જોખમ અંગે વ્યક્ત કરી ચિંતા
આ મુલાકાત દરમિયાન રામ ચરણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેમાં કામ કરતા કલાકારો પર AI તથા ડીપફેક ટેક્નોલોજીની થઈ રહેલી અસરો અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, AI અને ડીપફેક ટેક્નોલોજીના વધતા દુરુપયોગથી કલાકારો તેમજ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર ગંભીર અસર પડી શકે છે.
તેમણે વધુમાં લખ્યું હતું કે, આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે તેમની ચિંતાઓને સમજવાની સાથે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો, જેનાથી તેમને પ્રોત્સાહન મળ્યું છે. આ મુલાકાતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોની સુરક્ષા અને ટેક્નોલોજીના દુરુપયોગ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.




